અમદાવાદઃ ધોરણ 10માનું ગઈ કાલે જ પરિણામ આવ્યું છે, ગુજરાત બોર્ડે વિદ્યાર્થીઓને ‘ઇઝી’ અને ‘ટફ’ ક્વેશ્ચન પેપરનો વિકલ્પ આપ્યા છતાં વિદ્યાર્થીઓ માટે ગણિત સૌથી અઘરો વિષય રહ્યો છે. ધોરણ 10માં સૌથી વધુ 30 ટકા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં (સરેરાશ ક્વેશ્ચન પેપર સરળ હોવા છતાં) અને સાત ટકા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્મેટિક્સ (ટફ ક્વેશ્ચન પેપર)માં ફેલ થયા છે.
બોર્ડ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મેથ્સનું પેપર 6,61,540 વિદ્યાર્થીઓએ આપ્યું હતું, જેમાં 4,59,992 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા હતા-આમાં બેઝિક મેથ્સમાં પાસની ટકાવારી 69.53 ટકા છે, જે આ વર્ષમાં કોઈ પણ વિષયમાં પાસ થવાની ટકાવારીની તુલનાએ સૌથી ઓછી છે. જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સમાં 92.63 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમાં સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો 1,10,703 વિદ્યાર્થીઓમાંથી 1,02,540 વિદ્યાર્થીઓ પાસં થયા હતા.
આ વર્ષે વિદ્યાર્થીઓ જેમાં સૌથી વધુ નાપાસ થયા એ બીજો વિષય છે સાયન્સ એન્ડ ટેક્નોલોજી. આ વિષયમાં 28 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ વિશે CN વિદ્યાલયના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ હિતેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે હાલની સિસ્ટમ સારી રીતે કામ નથી કરી રહી, જેથી અનેક વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા છે, જ્યારે કાંકરિયા સ્થિત દીવાન બલ્લુભાઈ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ અલકા સપ્રેએ જણાવ્યું હતું કે રોગચાળાના સમયના ઓનલાઇન શિક્ષણની આ બીજી બાજુ છે. હાજરી ફરજિયાત નથી, જેથી વિદ્યાર્થીઓ લખવાના પેપર (રાઇટિંગ પેપર) પર સારી રીતે ધ્યાન કેન્દ્રિત નથી કરી શક્યા. અમારી સ્કૂલનું 100 ટકા પરિણામ આવતું હોય છે, પણ આ વખતે એ 90 ટકા આવ્યું છે.