સુરતઃ રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને સુરતમાં ગઈ કાલે પણ 754 કેસ નોંધાયા હતા. જેથી કાપડ માર્કેટનાં કામકાજને વિપરીત અસર પડી છે કાપડના વેપારીઓને અપેક્ષા હતી કે હોળી સહિતના તહેવારોમાં નોંધપાત્ર ખરીદી નીકળશે, પરંતુ કમનસીબે કોરોનાની બીજી લહેરે તમામ આશાઓ પર જાણે પાણી ફેરવી દીધું છે. કોરોનાની બીજી લહેરને કારણે કાપડના વેપારી કામકાજને 30 ટકા જેટલી પ્રતિકૂળ અસર પહોંચી છે.કોરોનાને લીધે ગયા સપ્તાહે શનિ-રવિ માર્કેટ બંધ રહેતાં રૂા. 250 કરોડના પાર્સલ અટવાઈ પડ્યાં છે, જેનો નિકાલ થતાં એક સપ્તાહ કરતાં વધુ સમય લાગે તેમ છે. શહેરમાં બહારગામથી આવતા વેપારીઓમાં કોરોના સંક્રમણ ફેલાવાની સંભાવનાને જોતાં વહીવટી તંત્રએ આવા વેપારીઓ માટે સાત દિવસ ક્વોરોન્ટીન કરવાનો નિર્ણય કર્યો હોવાથી ખરીદી માટે આવતા વેપારીઓ ભારે અવઢવમાં છે.’
ફોસ્ટાના પૂર્વ પ્રમુખ ક્રિષ્ના બંકા કહે છે કે આ વર્ષે કોરોનાના કેસોમાં ફરી વધારો થતાં પંદર દિવસ અગાઉથી જ મનપાએ કોરોના ગાઈડલાઇન કડક કરતાં અંદાજે 30 ટકા જેટલો વેપાર ઓછો થયો છે. માર્કેટમાં કામકાજનો સમય પણ ઓછો થવાથી વેપારને ભારે ક્ષતિ પહોંચી છે..
મનપાના આરોગ્ય વિભાગ ટેસ્ટિંગમાં લાગ્યો છે. એક જ દિવસમાં 61 ટકા મુલાકાતીઓમાં કોરોના સંક્રમણ હોવાનું સામે આવતાં વેપારીઓમાં ભારે ચિંતા ફરી વળી છે.