1500 મેકઅપ આર્ટિસ્ટ ગિનીસ વર્લ્ડ ‘રેકોર્ડ’ સર્જશે

અમદાવાદઃ ભારત અને અન્ય દેશોમાં તેમના બ્યુટી પાર્લર કે સલૂનમાં બેઠાં-બેઠાં આ 1500 મેકઅપ આર્ટિસ્ટસ સમાંતરપણે પરંપરાગત ભારતીય પદ્ધતિથી નવવધૂના ચહેરા ઉપર મેકઅપ કરશે અને “મોસ્ટ યુઝર્સ ઇન એ મેકઅપ વિડિયો હેંગઆઉટ”નો રેકોર્ડ સર્જવા પ્રયાસ કરશે.ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ આ ઇવેન્ટનું લંડનમાંથી મોનિટરિંગ કરશે. તમામ ભાગ લેનાર મેકઅપ પ્રોફેશનલ્સને સફળ થયા પછી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી સામેલ થયાનું પ્રમાણપત્ર મળશે.  આ ઇવેન્ટનો 20 ડિસેમ્બરે સવારે 10 કલાકે પ્રારંભ થશે અને એક કલાકમાં સમાપન થશે. આ ઇવેન્ટમાં સામેલ થનારા પ્રોફેશનલ્સને મેકઅપ પૂરો કરવા માટે એક કલાક મળશે. તેમને સમારંભ શરૂ થયા પહેલાં નવવધૂના કેશ, જવેલરી અને કોસ્ચ્યુમના સ્ટાઇલિંગનો વિકલ્પ રહેશે.

આ ઇવેન્ટનું આયોજન BEASA-બીસા (બ્યુટી સલૂન ઇન્ટરનેશનલ ટ્રેડ શો), ઓલ ઇન્ડિયા હેર એન્ડ બ્યુટી એસોસિયેશન અને બ્રહ્માણી ઇવેન્ટસ એન્ડ એક્ઝિબિશન્સ પ્રા. લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં સમગ્ર વિશ્વમાંથી ભારત, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇઈટેડ આરબ એમિરેટસ તથા અન્ય સ્થળોએથી મેકઅપ આર્ટિસ્ટ સામેલ થશે.

ઓલ ઇન્ડિયા હેર એન્ડ બ્યુટી એસોસિયેશનના સંયુક્ત સેક્રેટરી અશોક પાલીવાલ જણાવે છે કે “હેર એન્ડ બ્યુટી ઇન્ડસ્ટ્રીને કોરોના રોગચાળાને કારણે લદાયેલા લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે ખૂબ માઠી અસર થઈ છે. લગ્ન સમારંભો પરના પ્રતિબંધોને કારણે પણ ઉદ્યોગને ભારે નુકસાન થયું છે. બીસાના આયોજક જસવંત બામણિયા જણાવે છે કે રોગચાળાને કારણે વિશ્વ ઓનલાઇન પ્રવૃત્તિ તરફ વળ્યું છે ત્યારે બ્યુટી પ્રોફેશનલ્સ તેમની કામગીરી ડિજિટલ પ્લેટફોર્મ  ઉપર રજૂ કરશે અને બ્યુટી ઇન્ડસ્ટ્રીને જીવંત બનાવવા પ્રયાસ કરશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]