કૃષિ-કાયદાઓનો અમલ સ્થગિત કરી શકાશે નહીંઃ કેન્દ્ર

નવી દિલ્હીઃ જેને કારણે દેશમાં હજારો ખેડૂતો નારાજ થયા છે તે નવા લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓ પર સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી સુનાવણી ન કરે ત્યાં સુધી એનો અમલ સ્થગિત કરવાનું કોર્ટે આજે સૂચન કર્યું હતું, પરંતુ કેન્દ્ર સરકારે એની સામે વાંધો ઉઠાવ્યો હતો. દિલ્હીના સીમાવિસ્તાર પર 22 દિવસથી આંદોલન કરી રહેલા હજારો ખેડૂતોને હટાવવા માટેની અરજીઓ પર દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડેની આગેવાની હેઠળની બેન્ચે આજે સુનાવણી આગળ વધારી હતી. એ દરમિયાન કોર્ટે ઉપર મુજબ સૂચન કર્યું હતું. કોર્ટે સરકારને આદેશ આપ્યો કે વિરોધ કરી રહેલા ખેડૂતો પર પોલીસે કોઈ હિંસક પદ્ધતિ અપનાવવી નહીં. કાયદા સામે વિરોધ કરવાના અધિકારને અમે માન્યતા આપીએ છીએ. એમાં જરાય બાંધછોડ ચાલે નહીં. કોઈના પણ જીવન પર માઠી અસર ન થાય એ જોવાની આપણે જરૂર છે.

કોર્ટે એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલને કહ્યું હતું કે અમે જ્યાં સુધી આ કેસમાં નિર્ણય ન લઈએ ત્યાં સુધી શું તમે કાયદાનો અમલ અટકાવવાની કોર્ટને ખાતરી આપી શકો એમ છો?  અમે કાયદા સામે સ્ટે ઓર્ડર આપતા નથી, પરંતુ અમારો હેતુ સરકાર તથા ખેડૂત સંગઠન ફળદાયી વાટાઘાટ કરી શકે એવી શક્યતાઓ ઊભી કરવાનો છે. અમે વિરોધ કરતા ખેડૂત સંગઠનોને સાંભળ્યા વિના ચુકાદો આપી શકીએ નહીં. પરંતુ સોલિસીટર જનરલ તુષાર મહેતા અને વેણુગોપાલ, બંનેએ કોર્ટના આ સૂચન સામે વાંધો ઉઠાવ્યો હતો.