આ વર્ષે વડોદરાના દિવડા દીપાવશે વારાણસીનો ઘાટ…

વડોદરા: આપણા દેશનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી અને પૌરાણિક માન્યતા અનુસાર દિવાળીના દિવસે ભગવાન શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા હતા. માટે તેમના સ્વાગતમાં દરેક અયોધ્યાવાસીએ પોતાના ઘરઆંગણે દિવડા પ્રગટાવ્યા હતા. આ પ્રથા તો જો કે આજે પણ છે અને દર વર્ષે દિવાળીના પર્વ નિમિત્તે ઘરે કે કામ કરવાના સ્થળે તેમજ હિન્દુ સંસ્કૃતિના દરેક ધાર્મિક સ્થળને પણ દિવડાથી સજાવવામાં આવે છે. દિવાળી પછી છેક દેવદિવાળી સુધી ઘણા લોકો દિવડા રાખતા હોય છે. તેમાં પણ મહાદેવની નગરી કાશીમાં તો દર વર્ષે દેવદિવાળીના અવસરે ખાસ ૧૧ લાખ દિવડાની સજાવટ કરવામાં આવે છે. આ વર્ષે પણ રાબેતા મુજબ દિવડાની આ ભવ્ય સજાવટ કરવામાં આવશે, જો કે આ વખતે એમાં ગુજરાતની માટીની સોડમ પણ ભળેલી હશે. 

વારાણસીમાં દર વર્ષે દેવદિવાળી નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં દિવડા પ્રગટાવી ગંગાઘાટ અને કાશી વિશ્વનાથ મંદિરની ભવ્ય સજાવટ કરવામાં આવે છે. અહીં એકસાથે કુલ 11 લાખ દિવડા પ્રગટાવવામાં આવે છે, જે માટે કોડિયાની જરૂર તો પાડવાની જ. એટલે ભારતભરમાંથી અહીં કોડિયા દાન કરવામાં આવે છે. આ વર્ષે જો કે પ્રથમવાર ગુજરાતમાંથી પણ ત્રણ લાખ કોડિયા અહીં મોકલવામાં આવશે. અમદાવાદ સ્થિત સોસાયટી ફોર ઈન્ડિયન ડેવલપમેન્ટ દ્વારા આ જવાબદારી ઉઠાવવામાં આવી છે અને આ સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણના મુદ્દાને પણ એમાં ખૂબ રસપ્રદ રીતે આવરી લેવાયો છે.

સોસાયટી ફોર ઈન્ડિયન ડેવલપમેન્ટ દ્વારા વડોદરાના ડભોઈ તાલુકામાં મહિલાઓ સબંધિત એક પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. જેમાં ગૌશાળામાંથી લવાયેલા છાણનો ઉપયોગ કરી મહિલાઓ વિવિધ વસ્તુ બનાવે છે અને આ સંસ્થા તેમના આ સામાનને વેચવામાં, મહિલાઓને પ્રશિક્ષિત કરવામાં અને તેમની આ આવડતને આવકમાં ફેરવી શકાય તે માટે મદદ કરે છે. વારાણસીમાં જે ત્રણ લાખ કોડિયા દાન કરવામાં આવશે, તે પણ આ સંસ્થા સાથે સંકળાયેલી મહિલાઓ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા છે. આ કોડિયાની એક ખાસિયત એ પણ છે કે તેને સંપૂર્ણ રીતે છાણમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. માટે એક વખત તેને ઉપયોગમાં લેવાયા બાદ પાણીમાં ફેંકી દેવામાં આવે તો ત્રણથી ચાર કલાકમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય છે અને જો તેને જમીન પર ફેંકવામાં આવે તો તેનો ઉપયોગ ખાતર તરીકે પણ થાય.ડભોઈ તાલુકાના રેલવે કોલોની વિસ્તારમાં આ કોડિયા બનાવાનું કામ ચાલે છે અને તેના કારણે આસપાસની ૫૦-૬૦ મહિલાઓને રોજગારી મળે છે. સોસાયટી ફોર ઈન્ડિયન ડેવલપમેન્ટ દ્વારા ખાસ દરેક બહેનને બે કલાક માટે જ કામ કરવામાં દેવામાં આવે છે, જેથી દિવસ દરમિયાન બને એટલી વધુ બહેનોને લાભ મળી શકે. સંસ્થાના ટ્રસ્ટી મંજુબેન પટેલ ચિત્રલેખા.કોમને કહે છેઃ ‘અગાઉ આ વિસ્તારમાં મોટાભાગની બહેનોને ઘરના નાના-મોટા કામ કરવા દૂર સુધી જવું પડતું હતું. જ્યાં તેમણે દિવસે માંડ સો-દોઢસો રૂપિયા મળતા અને તેમાંથી પણ ઘણાખરા પૈસા તો કામે જવામાં અને ઘરે પાછા ફરવામાં જ ખર્ચાય જાય. જ્યારે હવે દિવસમાં માત્ર બે કલાક કામ કરીને પણ આ બહેનો મહિને બમણી આવક મેળવે છે અને હજી ભવિષ્યમાં પણ તેમની આ આવક ચાલુ રહે તે માટેના પ્રયત્નો ચાલુ છે.’

કોડિયા બનાવવા ઘણું સરળ કામ છે અને આ સંસ્થા દ્વારા અહીં આવતી બહેનોને ખાસ મશીન પણ પૂરા પાડવામાં આવ્યા છે, જેથી તેઓ પોતાનું કામ સરળતાથી કરી શકે. આ કાર્ય માટે છાણ ખાસ ગોધરાથી મંગાવામાં આવે છે. દિવાળી પછીના દિવસોમાં લગભગ લાભ પાંચમ સુધીમાં આ ત્રણ લાખ કોડિયા તૈયાર કરવાનું લક્ષ્ય પૂરું થાય તેવું અનુમાન છે. જ્યાર બાદ કોડિયાનું યોગ્ય રીતે પેકિંગ કરી વડોદરા સ્થિત નર નારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી વારાણસી મોકલવામાં આવશે. આ ટ્રસ્ટ દ્વારા હાલ પણ સોસાયટી ફોર ઈન્ડિયન ડેવલપમેન્ટને જરૂરી મદદ પૂરી પાડવામાં આવે છે.

(નિતુલ ગજ્જર – વડોદરા)

(તસવીરો- ધર્મેશ જોબનપુત્રા)