ગૂજરાત વિદ્યાપીઠે સ્થાપના દિવસની ઉજવણી કરી

અમદાવાદઃ અસહકાર આંદોલનના સમયમાં બાળકોને સ્વદેશી પદ્ધતિથી શિક્ષણ મળી રહે તે હેતુથી મહાત્મા ગાંધીએ 18 ઓક્ટોબર, 1920એ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠે આજે 105 વર્ષ પૂર્ણ કરીને 106માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અવસરે 18 ઓક્ટોબર, 2025એ ગૂજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠના વરિષ્ઠ ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અધ્યક્ષસ્થાને રહ્યા હતા. પ્રાણ  જીવન વિદ્યાર્થી ભવન ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપના કાળનું છે. એની  દરેક ઈંટ પર ચરખાનું પ્રતીક અંકિત છે.

ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપના દિવસના આ કાર્યક્રમની શરૂઆતમાં ધ્વજવંદન અને ધ્યેયપઠન કરવામાં આવ્યા‌. ધ્યેયપઠન ગૂજરાત વિદ્યાપીઠની મૂલ્યવ્યવસ્થા અને મહાત્મા ગાંધીજીના આદર્શો પ્રત્યેની અખંડ નિષ્ઠાનું પ્રતિબિંબ છે. શિક્ષણ, સ્વરાજ, અહિંસા, સ્વભાષા, ગ્રામજીવન અને સ્ત્રીશક્તિના સમન્વય દ્વારા રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વ્યક્ત કરતાં ગૂજરાત વિદ્યાપીઠના સેવકોએ આજે પોતાના જીવનને રાષ્ટ્રસેવા અને માનવમૂલ્યોની ઉન્નતિ માટે અર્પિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત દફતર વિદ્યાની પરીક્ષા તેમ જ સરકાર દ્વારા સંદર્ભરૂપે સ્વીકૃત દફતરવિદ્યા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે બંધારણના પ્રતીકનું અને સાર્થ જોડણીકોશની છઠ્ઠી આવૃત્તિનું તથા પદવીદાન સમારોહ- 2025ની કોફી ટેબલ બુકનું પણ અનાવરણ થયું હતું. વર્ષ 2025માં યોજાનારી સ્વાવલંબન યાત્રા, જેનો મુખ્ય વિષય સ્વદેશી છે, એના ગીતનું વિમોચન અભિનય ગીતના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું‌.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ અને ગૂજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી ડૉ. હર્ષદ પટેલ તેમ જ ટ્રસ્ટી સુરેશભાઈ રામાનુજ, ચંદ્રવદન શાહ અને  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં સંઘગાન સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)