અમદાવાદ: સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતના ચૂંટણી વિભાગે હેરિટેજ ડેની ઉજવણી અનોખી રીતે કરી. તેમણે હેરિટેજ ડેની ઉજવણીની સાથે-સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજ્યો. શહેરના મધ્યમાં આવેલી ઐતિહાસિક વિરાસત એવાં ભદ્રના કિલ્લાના પરિસરમાં જ પ્રદર્શન સ્વરૂપે મતદાર જાગૃતિ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો.
મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય પી.ભારતી દ્વારા તસવીરો, ઐતિહાસિક દસ્તાવેજોના પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુજરાતનું ચૂંટણી પંચ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જાગૃત નાગરિકો, NSS સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.ભારતની ચૂંટણીના ઇતિહાસની અલભ્ય તસવીરો કંડારનાર અને જાળવણી કરનાર કલ્પિત ભચેચ ચિત્રલેખા.કોમને કહે છે ઐતિહાસિક જગ્યાએ વિશ્વ વારસા દિવસે આ એક ઐતિહાસિક પ્રદર્શન લોક જાગૃતિ, મતદાર જાગૃતિ માટે ખુલ્લું મુકવામાં આવ્યું. આ પ્રદર્શનમાં 1952થી માંડી તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓની એકદમ દુર્લભ તસવીરો મુકવામાં આવી છે.તસવીરો પીઢ ફોટો જર્નાલિસ્ટ શુકદેવ ભચેચ અને કલ્પિત ભચેચ દ્વારા જુદી જુદી ચૂંટણીઓમાં ક્લિક કરવામાં આવી છે. આ સાથે ઇતિહાસકાર રિઝવાન કાદરીનું પ્રથમ ચૂંટણીનું અલભ્ય દસ્તાવેજીકરણ પણ મુકવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો પણ સમાવેશ થાય છે.ચૂંટણીના ઇતિહાસ દર્શાવતું ફોટો પ્રદર્શન “Electoral Journey of Gujarat” , ઐતિહાસિક જૂના દસ્તાવેજીકરણને શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલા ભદ્રના કિલ્લામાં ખુલ્લું મુકાયું ત્યારે ગુજરાત યુનિવર્સિટીના યુવાન વિધાર્થીઓએ મતદાર જાગૃતિ ઝુંબેશ માટે રંગોળી પુરી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)