અમદાવાદ: ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીના નેચર ક્લબ ઈકો લાઈફ દ્વારા 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે ‘સ્પેરો મેન’ તરીકે જાણીતા જગત કિંખાબવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે પૃથ્વી પર વધતું જતું પ્રદૂષણ તથા અન્ય પરિબળોને કારણે ચકલી સહિતના પક્ષીઓ અને અન્ય જીવોને થતા નુકસાન વિશે વાત કરી હતી. તેમણે પર્યાવરણમાં ચકલી સહિતના દરેક જીવોનું મહત્વ અને તેમના સંરક્ષણ માટેના ઉપાયો વિશે જણાવ્યું હતું. કાર્યક્રમના અંતમાં જગત કિંખાબવાલાએ વિદ્યાર્થીઓને એનિમલ એન્થમ થકી આ જીવોના સંરક્ષણ અર્થેનો સંદેશ પાઠવવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
કાર્યક્રમમાં સહભાગી વિદ્યાર્થીઓએ ‘ચકી બેન ચકી બેન’ ગીત ગાઈ ચકલીઓને ફરીથી પોતાના ઘરે આવવા માટે આમંત્રિત કરી હતી. તથા ‘Save Sparrow, Save Birds’ જેવા સ્લોગન રાઇટિંગ કરીને પોતાના મનના પ્રતિભાવ જણાવ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓને ચકલી ઘરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કાલુપુર પ્રાયમરી સ્કૂલ, આચાર્ય એકેડેમી, ચિલ્ડ્રન્સ ડેવલોપમેન્ટ ફોર એજ્યુકેશન સેન્ટર તથા ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ ગાંધીનગરના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.