અમદાવાદ: સમગ્ર વિશ્વમાં દર વર્ષે 5 જૂને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ(GEMI) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં 70થી વધુ વિદ્યાર્થીઓ સહિત ઘણા પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓએ ગુજરાત સાયન્સ સિટીના નેચર પાર્કમાં પર્યાવરણને અનુકૂળ વિવિધ વૃક્ષોના રોપાનું વાવેતર કર્યું હતું. જેમાં ગુજરાત સાયન્સ સિટીના અધિકારીઓ તેમજ સાયન્સ સિટી ખાતે આયોજિત STI સમર કેમ્પમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો પણ જોડાયા હતા. વૃક્ષારોપણ બાદ વિદ્યાર્થીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ કલાઇમેન્ટચેન્જ લર્નિંગ લેબની મુલાકાત લઈને પૃથ્વી પર થતી કલાઇમેન્ટચેન્જની અસર વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત કલાઇમેન્ટચેન્જ લર્નિંગ લેબમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ની થીમ પર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ નકામી વસ્તુઓ અને કચરામાંથી વિવિધ મોડેલ્સ બનાવ્યા હતા. જેના માટે તેઓને પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત સાયન્સ સિટીના જનરલ મેનેજર ડો. વ્રજેશ પરીખ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડો. હાર્દિક ગોહેલ, ગુજકોસ્ટના ડો. નરોત્તમ સાહુ તેમજ ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડેપ્યુટી એન્વાયર્નમેન્ટ એન્જિનિયર પરેશ ચાવડા, સ્મૃતિ પટેલ અને સાયન્ટિફિક ઓફિસર હર્ષિદા મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.