અમદાવાદ: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં શુક્રવારે સુનાવણી હાથ ધરાઇ. એમ્યુઝમેન્ટના નિયમો અંગે હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો કે શું નિયમો ઘડ્યા છે? જો હા, તો નોટિફિકેશન જાહેર કરાયું છે? વિવિધ રમતો અને સાધનો અંગે નિયમો નક્કી કર્યાનો સરકારે આજે હાઈકોર્ટમાં સ્વીકાર કર્યો છે. સાથે-સાથે પ્રવેશ અને નિકાસ મામલે પણ નિયમો ઘડાયા હોવાનું સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું. વિવિધ ગેમ્સને વ્યાખ્યાયિત કરવામાં આવી હોવાનો જવાબ પણ સરકાર દ્વારા આપવામાં આવ્યો. તબક્કાવાર લાયસન્સની પણ જોગવાઈ કરવામાં આવી હોવાનું સરકાર તરફથી આજે હાઈકોર્ટમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યારે સામે પક્ષે હાઈકોર્ટે આ નિયમો અંગેનું નોટિફિકેશન ક્યારે જાહેર કરશો તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. ત્યારે સરકાર તરફથી જણવવામાં આવ્યું હતું કે બે સપ્તાહમાં નિયમોનું જાહેરનામું બહાર પાડવાની બાંહેધરી આપવામાં આવી.
આ તમામ બાબતોનું દેખરેખ માટે વિશેષ કમિટીની રચના કરવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છે. નિયમો તો તૈયાર કર્યા પરંતુ અમલવારી માટે શું આયોજન છે આ સવાલ પણ હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યો હતો. બંજી જમ્પિંગ અને સ્લાઈડિંગ રાઈડ્સ મુદ્દે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. તે મશીનરીથી ચાલતી રાઈડ્સ છે અને જાહેર જગ્યાઓ અને મોલમાં જોવા મળે છે. ત્યારે તેને કેવી રીતે નિયંત્રિત કરશો તેવો સવાલ પણ હાઈકોર્ટે પૂછ્યો છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી ખાત્રી આપવામાં આવી છે કે નિયમો અંગેની જાગૃતતા ચોક્કસપણે ફેલાવવામાં આવશે. આમ કોર્ટ દ્વારા દરેક પ્રકારની ખરાઈ કર્યા બાદ જ આ પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્કને મંજૂરી આપવામાં આવે તે પ્રકારની ટકોર કરવામાં આવી છે.