ગુજરાત જાયન્ટ્સની નજર WPL-2026ની ટ્રોફી પર!

મુંબઈ: મહિલા પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સીઝન 9 જાન્યુઆરીથી શરૂ થવાની છે. જેના વિશે વાત કરતા ગુજરાત જાયન્ટ્સની ટીમે કહ્યું તેઓ નવા આત્મવિશ્વાસ અને સ્પષ્ટ દ્રષ્ટિકોણ સાથે WPL2026માં રમવાના છે. ગત વર્ષે મજબૂત પ્લેઓફ પ્રદર્શન પછી, અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ફ્રેન્ચાઇઝ હવે સ્પર્ધાત્મક સ્તર પર આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.મુંબઈમાં પ્રી-સીઝન મીડિયા ઇન્ટરેક્શનમાં ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને ટીમ લીડરશીપ દ્વારા આગામી સીઝન માટેની રણનીતિ રજૂ કરી. આ કાર્યક્રમમાં કેપ્ટન એશ્લે ગાર્ડનર, કાશ્વી ગૌતમ, મહિલા વર્લ્ડ કપ વિજેતા રેણુકા સિંહ, મુખ્ય કોચ માઈકલ ક્લિંગર, ફિલ્ડિંગ કોચ સારાહ ટેલર અને અદાણી સ્પોર્ટ્સલાઈન ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરા હાજર રહ્યા હતા.

ગુજરાત જાયન્ટ્સ 10 જાન્યુઆરીએ યુપી વોરિયર્સ સામે WPL 2026ના અભિયાનની શરૂઆત કરશે. તેઓ 19 જાન્યુઆરીથી શરૂ થતા લીગ સ્ટેજના અંતિમ તબક્કા માટે વડોદરા આવતા પહેલા નવી મુંબઈમાં પ્રથમ ચાર મેચ રમશે. ગત સિઝનમાં વડોદરામાં પોતાનું ઘરઆંગણે ડેબ્યૂ કર્યા પછી, ટીમ ફરી એકવાર તે જ સ્થળે પરત ફરશે અને તેમની નવી જાયન્ટ્સ આર્મી સાથે રમશે.

કેપ્ટન એશ્લે ગાર્ડનરે કહ્યું, “એક કેપ્ટન તરીકે, સંતુલન મહત્વપૂર્ણ છે. ફક્ત કુશળતાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય અને ભારતીય ખેલાડીઓને એકસાથે લાવવામાં પણ. તે ક્યારેક મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ આસપાસ સારા લોકો હોવાને કારણે ઘણો ફરક પડે છે. હું અહીંની સંસ્કૃતિને સ્વીકારવાનો પ્રયાસ કરું છું કારણ કે તે અનુભવને વધુ આનંદપ્રદ અને સરળ બનાવે છે.”

મુખ્ય કોચ માઈકલ ક્લિંગરે ઉમેર્યું, “ગયા વર્ષથી સૌથી મોટી શીખ એ હતી કે અમે જે મેચો ખરેખર સારી રીતે રમ્યા હતા તે એટલા માટે કારણ કે, એ મેચોમાં અમે નાની વસ્તુઓને યોગ્ય રીતે રમી હતી, પછી ભલે તે ફિલ્ડિંગ હોય, બેટિંગ હોય કે બોલિંગ હોય. અમારી ટીમમાં મેચ-વિનર્સ ખેલાડીઓ છે, અને જ્યારે અમે તે નાની પરંતુ મહત્વપૂર્ણ ક્ષણોમાં સતત વિરોધી ટીમને પાછળ છોડી દીધી, ત્યારે અમે મેચ જીતી ગયા.”

મહિલા વર્લ્ડ કપ વિજેતા રેણુકા સિંહે કહ્યું, “અમારું ધ્યાન સ્પષ્ટ છે: અમે ટ્રોફી જીતવા માંગીએ છીએ. અમારી પાસે ખૂબ જ સારી ટીમ છે, અને વ્યક્તિગત રીતે, મારું લક્ષ્ય મારી જવાબદારીઓમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાનું અને મજબૂત માનસિકતા સાથે રમવાનું છે.”ફિલ્ડિંગ કોચ સારાહ ટેલરે કહ્યું, “ફિલ્ડિંગ આધુનિક રમતનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે અને મારો અભિગમ તેમાં આક્રમક માનસિકતા લાવવાનો છે.”

અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરાએ જણાવ્યું હતું કે, “2025માં અમે જે પ્રગતિ કરી છે તે અમને વિશ્વાસ અપાવે છે કે, અમે ફ્રેન્ચાઇઝ તરીકે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમારું ધ્યાન મેદાનની બહાર નમ્ર , આક્રમક અને સ્પર્ધાત્મક રહેવા પર છે. WPL 2026માં આ જૂથ સાથે મળીને શું પ્રાપ્ત કરી શકે છે તે અંગે અમે ઉત્સાહિત છીએ.”