મુખ્યમંત્રીએ પંચમહાલને આપી ₹650 કરોડના વિકાસકાર્યોની ભેટ

ગોધરા: ગુજરાતના 65મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લા ખાતે યોજાઈ રહી છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત છે. મુખ્યમંત્રીના હસ્તે પંચમહાલ જિલ્લાને આજે ₹650 કરોડના 85 વિકાસકાર્યોની ભેટ મળી. જેમાં પંચામૃત ડેરી ખાતે યુ.એચ.ટી દૂધ બનાવટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ ગૌશોર્ટ સેક્ટ શોર્ટેડ સીમેન ટેકનોલોજીના મશીનનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ ઉપરાંત હાલોલમાં લીથિયમ-આર્યન બેટરી રિસાયકલ પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું. કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા.

મુખ્યમંત્રીએ ગોધરા ખાતે 5.05 કરોડના ખર્ચે નિર્માણ થયેલી નવનિર્મિત આઈ.જી. ઓફિસનું રિબીન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ગુજરાતના મંત્રીઓ સહિત ધારાસભ્યો અને ગુજરાતના ડી.જી.પી. વિકાસ સહાય, આઈ.જી. આર.વી અસારી પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ પંચામૃત ડેરી ખાતેના કોર્પોરેટ બિલ્ડિંગમાં વિઝીટર ગેલેરીની મુલાકાત લઈ ગેલેરીમાં પ્રદર્શિત પંચામૃત ફ્રોઝન સિમેન સ્ટેશન, કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગ, ખાંડીયા કેટલફીડ પ્લાન્ટ, રિયરીંગ સેન્ટર ગમન, બારીયાના મુવાડા, અને માલેગાંવ પંચામૃત ડેરી પ્લાન્ટના માહિતીસભર ચિત્રો અને પ્રતિકૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીને પંચામૃત ડેરીની વિવિધ પ્રોડક્ટસ અંગે જાણકારી આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કોર્પોરેટ બિલ્ડિંગના ત્રીજા માળે બોર્ડરૂમ ખાતે પંચામૃત ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે બેઠક કરી હતી. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સખત પરિશ્રમથી કોઇ ખાનગી સંસ્થા પ્રગતિના ઉચ્ચ શીખરો સર કરી શકે છે. પરંતુ, જો સહકારી ક્ષેત્રે ડેરી જેવી સંસ્થાઓ પ્રગતિ કરે તો તેના લાભો ગામડાઓમાં વસતા છેવાડાના માનવી સુધી પહોંચે છે. ડેરી ઉદ્યોગના વિકાસથી ગુજરાત સમૃદ્ધિની હરણફાળ ભરી રહ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગ્રામ વિકાસ માટે સહકારિતા મહત્વનું પરિબળ અને પ્રવૃત્તિ છે.ગુજરાત ગૌરવ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા પોલીસ એક્સપો-2025 અંતર્ગત શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ શસ્ત્ર પ્રદર્શનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈ આધુનિક શસ્ત્રોનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ એક્સ્પો શસ્ત્ર પ્રદર્શનમાં ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા નોનલીથલ વેપનથી માંડી 1000 મીટર સુધી મારક ક્ષમતા ધરાવતા આધુનિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. બી.ડી.ડી.એસ. સ્કવોડના 6 સ્ટોલ્સ થકી એકસ્પ્લોઝિવની જાણકારી આપવા હેતુસર તમામ પ્રકારના આઈ.ઈ.ડી. (IED)ના ડિવાઇસ તેમજ સર્ચિંગ ઈકવીપમેન્ટ અને ડિસ્પોઝલ ઇકવિપમેન્ટસ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ ગોધરાના સર્કિટ હાઉસથી હાલોલ ખાતે આવેલા લિથિયમ આયન બેટરી રિસાયકલ પ્લાન્ટના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા.