ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. આજે તેનો બીજો દિવસ છે. ત્યારે વિરોધ પક્ષ દ્વારા અનેક મુદ્દે વિરોધ-પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના પગલે આજે વિધાનસભા અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે ટૂંકી મુદ્દતના પ્રશ્નો રદ્દ થવા બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રશ્ન ઉઠાવાયા હતા. આ સાથે બેનર સાથે ગૃહમાં દેખાવો કર્યા બાદ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વોક આઉટ કર્યુ હતું. જે બાદમાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા ગૃહમાં મતદાન દ્વારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
विधानसभा में @INCGujarat के साथी विधायकगण के वॉकआउट pic.twitter.com/0RW5oh1ViU
— Amit Chavda (@AmitChavdaINC) August 22, 2024
વિધાનસભામાં હોબાળા સાથે ચોમાસું સત્રની શરૂઆત થઈ છે. બેઠકની શરૂઆતમાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. સરસ્વતિ સાધના યોજના સહિતના 18 પ્રશ્નો રદ્દ થવા બાબતે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. જેને લઈને અધ્યક્ષે જણાવ્યું કે, “નિયમ વગર કામ ન કરી શકાય, કાર્યવાહી વિધાનસભાના નિયમો પ્રમાણે ચાલે છે, હું ચર્ચા કરવાનો મોકો આપીશ.”