ગ્રુપનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 1.5 લાખ કરોડનું મૂડીરોકાણઃ ગૌતમ અદાણી

અમદાવાદઃ અદાણી ગ્રુપની વાર્ષિક સામાન્ય સભા- AGMમાં ચેરમેન ગૌતમ અદાણીએ શેરહોલ્ડર્સને સંબોધતાં જણાવ્યું હતું કે ગયા વર્ષ દરમિયાન ગ્રુપ માટે અનેક પડકારો રહ્યા હતા, છતાં કંપનીએ પાછળ હટ્યા વિના સતત કામ ચાલુ રાખ્યું હતું. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક તણાવ અને ઊર્જા સંકટ વચ્ચે પણ અદાણી ગ્રુપે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, ટ્રાન્સપોર્ટ અને મેન્યુફેક્ચરિંગ જેવાં ક્ષેત્રોમાં ઝડપથી પ્રગતિ કરી છે. અદાણી ગ્રુપે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રૂ. 1.5 લાખ કરોડથી વધુનું રેકોર્ડ મૂડીરોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. બુધવારે યોજાયેલી 34મી વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન શેરધારકોને સંબોધતાં તેમણે આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું કે આ મૂડીરોકાણ દેશના વિકાસ પ્રત્યેના વિશ્વાસને દર્શાવે છે અને એ સાબિત કરે છે કે અદાણી ગ્રુપ સતત એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના નિર્માણમાં રોકાણ કરી રહ્યું છે, જે ભારતની આગામી વિકાસયાત્રાને ગતિ આપશે. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન અદાણી ગ્રુપનું રોકાણ દેશના કુલ નવા ખાનગી ક્ષેત્રના મૂડી ખર્ચના 30 ટકાથી વધુ હતું. આ આંકડો ગ્રુપની મૂડીરોકાણ ક્ષમતા અને લાંબા ગાળાની દૃષ્ટિને પ્રતિબિંબિત કરે છે.

ગ્રુપનું લક્ષ્ય શું છે?

આવનારા સમયમાં કંપનું સૌથી મોટું ધ્યાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી પર રહેશે. ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને આવા સમયમાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને વેગ આપવો જરૂરી છે. આજના યુગમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી મળીને કોઈ પણ દેશની તાકાત બને છે, તેથી અદાણી ગ્રુપ સતત નવા પ્રોજેક્ટ્સ અને રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, એમ  તેમણે સ્પષ્ટ કર્યું હતું.

અદાણીએ ગ્રુપની પ્રશંસા કરી

તેમના મતે ગ્રુપની ઓળખ મુશ્કેલીઓથી નહીં, પરંતુ તે મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરે છે તેનાથી થાય છે. તેમણે કહ્યું હતું કે ગ્રુપ હંમેશાં દેશના વિકાસ માટે કાર્ય કરતું રહેશે.

શેરહોલ્ડર્સને આપ્યો વિશ્વાસ

તેમણે શેરહોલ્ડર્સને વિશ્વાસ અપાવ્યો હતો કે કંપની પડકારોથી ડરનારી નથી. તેમણે સ્પષ્ટ કહ્યું છએ કે મુશ્કેલીઓ આવતી રહેશે, પરંતુ ગ્રુપનું ધ્યાન લાંબા ગાળાની વૃદ્ધિ અને રાષ્ટ્રનિર્માણ પર જ કેન્દ્રિત રહેશે.

ન્યુક્લિયર પાવર ક્ષેત્રમાં મોટું પગલું

અદાણી ગ્રુપે ભારતના ન્યુક્લિયર પાવર ક્ષેત્રમાં મોટું રોકાણ કરવાની તૈયારી શરૂ કરી છે. ગૌતમ અદાણીએ જાહેરાત કરી કે કંપની વર્ષ 2035 સુધીમાં 10 ગિગાવોટ (GW) ન્યુક્લિયર પાવર ઉત્પાદન ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય ધરાવે છે.

વાર્ષિક સામાન્ય સભાને સંબોધતાં તેમણે જણાવ્યું કે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે જમીનની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે 2035 સુધીમાં 10 GW ક્ષમતાના લક્ષ્ય સાથે અમે સ્વચ્છ અને ચોવીસે કલાક ઉપલબ્ધ વીજળીની વધતી રાષ્ટ્રીય માગને પહોંચી વળવા માટે પોતાને તૈયાર કરી રહ્યા છીએ.

બે લાખ કરોડ રૂપિયાનો પાવર કેપેક્સ કાર્યક્રમ

તેમણે જણાવ્યું હતું કે અદાણી પાવર હાલમાં ભારતના ખાનગી ક્ષેત્રનો અત્યાર સુધીનો સૌથી મોટો વીજળી ક્ષેત્રનો મૂડીરોકાણ કાર્યક્રમ અમલમાં મૂકી રહ્યું છે. તેની કિંમત બે લાખ કરોડ રૂપિયાથી વધુ છે અને આગામી પાંચ વર્ષમાં 45 GW ઉત્પાદન ક્ષમતા સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ભૂટાન સાથે હાઇડ્રોપાવર ભાગીદારી

તેમણે જણાવ્યું કે અદાણી ગ્રુપ ભૂટાન સરકારની ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન (DGPC) સાથે ભાગીદારી કરીને ગૌરવ અનુભવે છે. આ ભાગીદારી હેઠળ અદાણી ગ્રુપ અને DGPC મળીને ભૂટાનમાં 5000 મેગાવોટના હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ વિકસાવશે.

એવિયેશન ક્ષેત્રમાં નવી પહેલ

એવિએશન ક્ષેત્ર અંગે તેમણે જણાવ્યું કે લિઓનાર્ડો અને એમ્બ્રેયર સાથેની ભાગીદારી ભારત માટે એક સંકલિત હેલિકોપ્ટર અને પ્રાદેશિક વિમાન ઉત્પાદન ઇકોસિસ્ટમ ઊભું કરવામાં મદદરૂપ બની રહી છે.