આસામમાં આર્મી કેમ્પ પર ગ્રેનેડથી હુમલોઃ સેનાના ત્રણ જવાન ઘાયલ

નવી દિલ્હીઃ આસામના તિન્સુકિયા જિલ્લાના કાકોપાથર વિસ્તારમાં ગુરુવારે મધરાતે ભારે ગોળીબારી અને અનેક ગ્રેનેડ વિસ્ફોટોના અવાજો સાંભળવામાં આવ્યા હતા, જેને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. કાકોપાથર આર્મી કેમ્પની નજીક લગભગ એક કલાક સુધી ગોળીબાર ચાલ્યો હતો. કાકોપાથર સ્થિત ભારતીય સેનાની 19 ગ્રેનેડિયર્સ યુનિટના કેમ્પને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. સુરક્ષા સૂત્રોના જણાવ્યાનુસાર આ વિસ્ફોટમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે.

આ ઘટના બાદ સેના અને પોલીસે વિસ્તારને ઘેરી લીધો અને આખી રાત સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. હજી સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. આ હુમલાની શંકા ઉલ્ફા- ULFA (I) પર છે. આ જૂથનું સંચાલન મ્યાનમારમાં બેઠેલા કમાન્ડર પરેશ બરુઆ કરે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાની બાદ સેના અને પોલીસે વિસ્તારમાં કડક ઘેરાબંધી કરી દીધી છે અને આસપાસના વિસ્તારોમાં નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુનેગારોની શોધ માટે તપાસી અભિયાન ચાલુ છે. કાકોપાથર આર્મી કેમ્પની નજીક જોરદાર વિસ્ફોટોના અવાજોથી લોકો ડરીને પોતાનાં ઘરોમાં ચાલી ગયા. આ હુમલાની ખબર મળતાં જ સેના અને પોલીસ અધિકારીઓએ મોરચો સંભાળી લીધો. પોલીસે આખા વિસ્તારને સીલ કરી દીધો છે અને તમામની વિગતવાર તપાસ ચાલી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોરો દ્વારા ઉપયોગમાં લેવાયેલો એક ટ્રક બાદમાં પડોશી રાજ્ય અરુણાચલ પ્રદેશમાં લાવારિસ હાલતમાં મળ્યો છે.

વર્ષ 2023માં પણ આ જ આર્મી કેમ્પ પર આવો હુમલો થયો હતો, જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ બરુઆ સહિત છ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. હાલમાં સેના અને પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલુ છે.