પહેલગામ હુમલા અંગે સ્વતંત્ર મૂલ્યાંકન કરશે સરકાર?: કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસે કારગિલ યુદ્ધ બાદ રચાયેલી સમીક્ષા સમિતિનો ઉલ્લેખ કરતાં મંગળવારે કહ્યું હતું કે શું નરેન્દ્ર મોદી સરકાર પહેલગામ આતંકવાદી હુમલા અંગે પણ તેવી જ રીતે સ્વતંત્ર અને વ્યાપક વિશ્લેષણ તથા મૂલ્યાંકન કરાવશે?વર્ષ 1999માં કારગિલ યુદ્ધ બાદ તરત જ કારગિલ સમીક્ષા સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિના અહેવાલ પછી સુરક્ષા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સુધારાઓ અને સંસ્થાગત પરિવર્તનો કરવામાં આવ્યાં હતાં.

જયરામ રમેશે ટ્વીટ કરીને લખ્યું હતું  કે કારગિલ યુદ્ધ પૂરું થયાના માત્ર ત્રણ દિવસ પછી વાજપેયી સરકારે 29 જુલાઈ, 1999એ કારગિલ પુનરવલોકન સમિતિ રચી હતી. આ સમિતિનો અહેવાલ 23 ફેબ્રુઆરી 2000એ રોજ સંસદમાં રજૂ થયો હતો.  જોકે તેનો કેટલાક ભાગ હજુ પણ ગુપ્ત રાખવામાં આવ્યા છે આ સમિતિના અધ્યક્ષ હતા ભારતના વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત કે. સુબ્રમણિયમ, જેમનો પુત્ર હાલમાં ભારતના વિદેશ મંત્રી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે શું મોદી સરકાર હવે પહેલગામ હુમલા અંગે NIAની તપાસ હોવા છતાં તેવી જ એક સ્વતંત્ર અને વ્યાપક વિશ્લેષણાત્મક સમીક્ષા કરાવશે? વોશિંગટન ડીસીમાંથી આવેલાં નિવેદનો બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા વારંવાર કરવામાં આવેલી વડા પ્રધાનની અધ્યક્ષતામાં સર્વપક્ષી બેઠક બોલાવવાની માગ કરી છે  અને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની પણ માગ કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ પીએમ મોદીને સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે પત્ર લખી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે પીએમને મારો પત્ર, જેમાં પહેલગામ આતંકી હુમલો, ઓપરેશન સિંદૂર, વોશિંગટન ડીસી અને ત્યારપછી ભારત-પાકિસ્તાન સરકારો દ્વારા કરાયેલી યુદ્ધવિરામની જાહેરાત અંગે ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાનું વિનંતિ કરવામાં આવી છે. ખડગેએ કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. આ સત્રમાં આપણે બધા ચર્ચા કરીએ કે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શું સ્થિતિ છે અને શું ચાલી રહ્યું છે. એ સાથે જ આ મુદ્દે પણ ચર્ચા થવી જોઈએ કે જનતા સલામત રહે તે માટે આપણે શાં પગલાં લઈ રહ્યા છીએ?