ગોવિંદાની રિ-એન્ટ્રી: જાણો, બોલિવૂડમાં ‘રાજકારણ’ નો ઇતિહાસ
અમદાવાદ: લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા મુખ્યમંત્રી શિંદેની પાર્ટી શિવસેનામાં ગુરૂવારે સત્તાવાર રીતે જોડાઈ ગયા છે. હવે રાજકીય સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે, શિંદેની પાર્ટી ગોવિંદાને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. ગોવિંદાની રાજકારણમાં આ બીજી ઈનિંગ છે. આ પહેલાં તેઓ કોંગ્રેસ પાર્ટીની ટિકિટથી ચૂંટણી લડ્યા હતા. 2004થી 2009 સુધી ઉત્તર મુંબઈથી સાંસદ રહ્યા હતા. તો આવો આજે બોલીવૂડના એ દિગ્ગજ કલાકારો પર નજર કરીએ જેમણે રાજનીતિમાં પોતાની કિસ્મત અજમાવી છે.
પૃથ્વીરાજ કપૂર: એક્ટર પૃથ્વીરાજ કપૂર હિન્દી ફિલ્મોમાંથી રાજનીતિની સફર કરનારા સૌથી પહેલા અભિનેતા હતા. કોંગ્રેસે 1952માં તેમને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા હતા. પાકિસ્તાનમાં જન્મેલા પૃથ્વીરાજ કપૂર રાજકારણથી અછૂત નહોતા. આઝાદી પહેલાના તંગ સમયગાળામાં, તેમણે હિન્દુ-મુસ્લિમ એકતા પર એક શક્તિશાળી નાટક બનાવ્યું હતું – ‘દીવાર’. જે કોંગ્રેસ કાર્યકારી સમિતિની સામે મંચન કરવામાં આવ્યું હતું. તે દિવસોમાં, ફિલ્મોમાંથી સંસદમાં આવવા માટે તેમની ટીકા થતી હતી. પરંતુ પૃથ્વીરાજ કપૂર સંસદમાં મોટેથી બોલતા હતા.
દેવ આનંદ: ઈન્દિરા ગાંધીએ લાદેલી ઈમરજન્સી પછીના સમયગાળામાં જ્યારે જનતા પાર્ટીનો પ્રયોગ પણ નિષ્ફળ ગયો હતો. બંને પક્ષોથી નારાજ કેટલાક લોકોએ સાથે મળીને નવી રાજકીય પક્ષ ‘નેશનલ પાર્ટી’ બનાવવાની જાહેરાત કરી હતી. દેવ આનંદ આ પાર્ટીના અધ્યક્ષ હતા. આ પાર્ટીમાં વી. શાંતારામ, વિજય આનંદ, આઈ. એસ. જોહર, જી. પી. સિપ્પી સહિત અનેક ફિલ્મી હસ્તીઓ જોડાઈ હતી. પાર્ટીએ લોકસભા ચૂંટણી લડવાનું નક્કી કર્યું, રેલીઓ શરૂ થઈ, ભીડ ભેગી થવા લાગી. પરંતુ ધીરે-ધીરે વાત ફેલાઈ ગઈ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને પાછળથી નુકસાન સહન કરવું પડશે. એક પછી એક મોટાભાગના લોકો પક્ષથી દૂર થઈ ગયા. આ રીતે દેવ આનંદનું રાજકીય સ્વપ્ન અને પાર્ટી બંનેનો અંત આવ્યો.
નરગીસ: રાજનીતિની વાત કરીએ તો હિન્દી ફિલ્મોમાંથી પ્રથમ મહિલા સાંસદ બનવાનું સન્માન 1980માં નરગીસને મળ્યું હતું. તે સમયે નરગીસ ફિલ્મો છોડીને સમાજ સેવામાં લાગી ગયા હતા. ઈન્દિરા ગાંધીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. જો કે 1981માં તેમનું અવસાન થયું હતું.
સુનીલ દત્ત: ઓક્ટોબર 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી. ડિસેમ્બર 1984માં ચૂંટણી યોજાવાની હતી. રાજીવ ગાંધીએ તેમના મિત્રો અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને સુનીલ દત્તને ચૂંટણી લડવા કહ્યું. સુનીલ દત્ત 1984 માં મુંબઈ નોર્થ-વેસ્ટ બેઠક પરથી ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા. 2005માં તેમના મૃત્યુ સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા હતા. સુનીલ દત્ત એ થોડા હિન્દી ફિલ્મ સ્ટાર્સમાંના એક હતા જેઓ કેન્દ્રીય મંત્રી પણ બન્યા હતા અને રાજકારણી તરીકે ખૂબ જ આદર પામ્યા હતા. 2004માં પાંચમી વખત લોકસભા ચૂંટણી જીતનાર સુનીલ દત્તને રમત-ગમત અને યુવા કલ્યાણ મંત્રી બનાવવામાં આવ્યા હતા.
અમિતાભ બચ્ચન: 1984માં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અલ્હાબાદથી હેમવતી નંદન બહુગુણા સામે ચૂંટણી લડી રહ્યા હતા. જે તે સમયના સૌથી મોટા સમાચાર હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન નંદન બહુગુણા અમિતાભને ‘શિખાઉ’ અને ‘ડાન્સર’ કહેતા હતા. એ જયા બચ્ચન હતા જેમણે અમિતાભના પ્રચારમાં પ્રાણ ફૂંક્યા હતા અને તેઓ ચૂંટણી જીતી ગયા હતા. પરંતુ બોફોર્સ કૌભાંડમાં નામ આવ્યા બાદ સાંસદ અમિતાભનો રાજનીતિથી મોહભંગ થઈ ગયો અને રાજકારણ છોડી દીધું. ત્યારથી અમિતાભ બચ્ચને ક્યારેય સક્રિય રાજકારણમાં ભાગ લીધો નથી.
રાજેશ ખન્ના: 1991ની ચૂંટણી સમયે અમિતાભ ફિલ્મો અને રાજકારણ બંનેથી દૂર થઈ ગયા હતા. તે સમયે રાજીવ ગાંધીએ રાજેશ ખન્નાને નવી દિલ્હીમાં લાલકૃષ્ણ અડવાણી સામે લડવા વિનંતી કરી હતી. 1991ની ચૂંટણીમાં રાજેશ ખન્ના અડવાણી સામે માત્ર 1,589 મતોથી હારી ગયા હતા. 1992માં જ્યારે પેટાચૂંટણી થઈ ત્યારે રાજેશ ખન્ના ફરીથી નવી દિલ્હીથી ચૂંટણી લડ્યા. તેમણે તેમના મિત્ર શત્રુઘ્ન સિંહાને હરાવ્યા, જેઓ ભાજપમાં જોડાયા હતા.
શત્રુઘ્ન સિંહા: શત્રુઘ્ન સિંહા કોંગ્રેસના બદલે વિરોધ પક્ષ દ્વારા રાજકારણમાં પ્રવેશનારા પ્રથમ હિન્દી અભિનેતાઓમાંના એક હતા. ઈમરજન્સી દરમિયાન તેઓ જયપ્રકાશ નારાયણથી પ્રભાવિત થયા હતા. પરંતુ 90ના દાયકામાં તેઓ ભાજપમાં જોડાયા હતા. તેઓ રાજેશ ખન્ના સામે લોકસભાની ચૂંટણી હારી ગયા. પરંતુ અડવાણી-વાજપેયીની ખૂબ નજીક હતા. શત્રુઘ્ન કદાચ પ્રથમ હિન્દી ફિલ્મ સ્ટાર હતા જેઓ કેન્દ્રીય મંત્રી (2003-04) બન્યા હતા અને ઘણી વખત સાંસદ પણ બન્યા. જો કે મોદી શાસન બાદ શત્રુઘ્ન પોતાની જ પાર્ટીમાં અલગ પડી ગયા હતા. એક સમયે ઈમરજન્સીનો વિરોધ કરનાર શત્રુઘ્ન 2019માં કોંગ્રેસમાં જોડાયા તે સમયનું ચક્ર છે. તેઓ 2009-2019 સુધી પટના સાહિબથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા.
રાજ બબ્બર: રાજ બબ્બરે 1989માં વી. પી. સિંઘની જનતા દળ પાર્ટી જોઈન કરીને પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. 1994થી 1999 સુધી તેઓ રાજ્યસભાના સાંસદ હતા. રાજ બબ્બર 2004માં 14મી લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર યુપીના ફિરોઝાબાદથી સાંસદ તરીકે ચૂંટાયા હતા પરંતુ 2006માં સપામાંથી સસ્પેન્ડ થયા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.
વિનોદ ખન્ના: 80ના દાયકામાં વિનોદ ખન્ના ફિલ્મોમાંથી નિવૃત્ત થયા અને ઓશો પાસે પહોંચી ગયા હતા. પરંતુ પંજાબી પરિવારમાંથી આવતા વિનોદ ખન્નાએ 1997માં ભાજપ સાથે હાથ મિલાવ્યો. એક વર્ષ પછી 1998માં પંજાબના ગુરદાસપુરથી લોકસભાની ચૂંટણી લડી અને પ્રચંડ બહુમતીથી જીત્યા. 2009ની ચૂંટણીને બાજુ પર રાખીએ તો, તેઓ તેમના મૃત્યુ સુધી આ બેઠક પરથી સાંસદ રહ્યા. વિનોદ ખન્નાએ વાજપેયી કેબિનેટમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળી હતી.
જયા પ્રદા: મહિલા રાજકારણીઓની વાત કરીએ તો જયા પ્રદાએ પણ ફિલ્મી દુનિયામાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. જયા પ્રદા તેલુગુ સુપરસ્ટાર એન.ટી.આર.ના કહેવાથી 1994માં રાજકારણમાં જોડાયા હતા. જો કે, તેમણે ટૂંક સમયમાં પક્ષ બદલ્યો અને ચંદ્રાબાબુ નાયડુ સાથે જોડાયા. રાજકારણમાં તેમના અનુભવના અભાવને કારણે શરૂઆતમાં તેમની ખૂબ ટીકા થઈ હતી. પરંતુ ધીરે-ધીરે તે પાર્ટીના મોટાં પ્રચારક બની ગયા. જયા પ્રદા 1996માં રાજ્યસભામાં પહોંચ્યા. તેમની કારકિર્દીમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા. દક્ષિણમાંથી આવેલા જયા પ્રદાએ ઉત્તર પ્રદેશના રામપુરમાંથી લોકસભાની ચૂંટણી લડી. 2004 અને 2009માં સતત બે ટર્મ માટે તેઓ અહીંથી સાંસદ રહ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં જીતીને તેમણે બધાને ચોંકાવી દીધા હતા. સમાજવાદી પાર્ટીમાં આઝમ ખાન સાથે જયા પ્રદાની હંમેશા તકરાર રહી. જેના પગલે તેઓ સમાજવાદી પાર્ટીથી અલગ થઈ ગયા. 2019માં તેઓ ભાજપમાં જોડાયા અને રામપુરથી ચૂંટણી લડ્યા.
શબાના આઝમી: કૈફી આઝમીના પુત્રી અને પીઢ બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીએ 1997માં રાજ્યસભામાં પ્રવેશ કર્યો અને 2003 સુધી ઉપલા ગૃહના સભ્ય રહ્યા.
જયા બચ્ચન: બોલિવૂડ ફિલ્મોમાં અભિનયની કૌશલ્ય સાબિત કરનાર જયા બચ્ચન ફિલ્મો પછી ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગઈ હતી. આ પાર્ટી સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા બાદ તેમણે રાજ્યસભાના સભ્ય તરીકે રાજ્યસભામાં એન્ટ્રી લીધી હતી. જયા બચ્ચન પણ રાજકારણમાં સફળ ઇનિંગ રમી રહ્યા છે. જયા બચ્ચન હાલમાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભામાં સાંસદ છે. તેઓ પ્રથમ વખત 2004માં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા.
હેમા માલિની: 1999માં જ્યારે વિનોદ ખન્ના ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમણે હેમા માલિનીને તેમના માટે પ્રચાર કરવા કહ્યું હતું. હેમાને રાજકારણ સાથે કોઈ સંબંધ નહોતો. પ્રારંભિક મૂંઝવણ પછી, તેમણે વિનોદ ખન્ના માટે પ્રચાર કર્યો અને અહીંથી તેમની પોતાની રાજકીય સફર પણ શરૂ થઈ. હેમા માલિની 2004માં જ ભાજપમાં જોડાઈ ગયા અને રાજ્યસભાના સભ્ય બન્યા. 2014ની લોકસભા ચૂંટણીમાં તેમણે મથુરાથી જાટ નેતા જયંત સિંહને ત્રણ લાખથી વધુ મતોથી હરાવ્યા હતા.
ધર્મેન્દ્ર: હિન્દી સિનેમાના કલાકાર ધર્મેન્દ્ર પણ ભાજપમાં જોડાયા. તેઓ રાજસ્થાનની બિકાનેર બેઠક પરથી 2004માં સામાન્ય ચૂંટણી જીત્યા અને સાંસદ પણ બન્યા. જો કે, તેઓ રાજકારણમાં ખૂબ સક્રિય રહી શક્યા નહીં કારણ કે તે ઘણીવાર ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત રહેતા હતા.
સ્મૃતિ ઈરાની: ટેલિવિઝનની બહુ ચર્ચિત વહુ સ્મૃતિ ઈરાની આજે ભાજપમાં ઉપાધ્યક્ષનું પદ સંભાળે છે. સ્મૃતિની રાજકીય કારકિર્દી વર્ષ 2003માં શરૂ થઈ હતી. જ્યારે તેમણે ભાજપની સભ્યતા મેળવી હતી. તેઓ 2004માં ચાંદની ચોકથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. પરંતુ કોંગ્રેસના ઉમેદવાર કપિલ સિબ્બલ સામે હારી ગયા હતા. 2014ની સામાન્ય ચૂંટણીમાં તેઓ અમેઠી બેઠક પરથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે ચૂંટણી લડ્યા અને તેમને સખત પડકાર આપ્યો હતો. જો કે તેઓ ચૂંટણી હારી ગયા. પરંતુ અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા સ્મૃતિ ઈરાનીને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા અને મોદી સરકારમાં મહત્વપૂર્ણ માનવ સંસાધન પોર્ટફોલિયો આપવામાં આવ્યો. જો કે 2019ની ચૂંટણીમાં ફરીથી તેઓ અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી વિરૂદ્ધ ચૂંટણી લડ્યા અને જીતીને વિરોધીઓના મોઢાં બંધ કરી દીધા.
સની દેઓલ: પોતાના અભિનયથી હલચલ મચાવનાર સની દેઓલે પિતા ધર્મેન્દ્રની જેમ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમણે ભાજપ સાથે હાથ મિલાવ્યો અને 2019ની લોકસભા ચૂંટણીમાં ગુરદાસપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા.. હાલમાં ભાજપના સાંસદ તરીકે ગુરદાસપુર મત વિસ્તારનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે.
રેખા: બોલિવૂડના ટોચના અભિનેત્રી રેખા હાલ ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેમણે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપીને પોતાની છાપ છોડી છે. રેખાએ પણ રાજકારણમાં પ્રવેશ કર્યો અને વર્ષ 2012માં કોંગ્રેસમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા.
કિરણ ખેર: આ યાદીમાં અનુપમ ખેરની પત્ની કિરણ ખેરનું નામ પણ સામેલ છે. તેમની સફળ ફિલ્મ કારકિર્દી પછી, અભિનેત્રી ભારતીય જનતા પાર્ટીમાં 2009માં જોડાયા હતા. તેમણે દેશભરમાં પાર્ટી માટે પ્રચાર પણ કર્યો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને ચંદીગઢ બેઠક પરથી ટિકિટ આપી હતી. તેઓ લડ્યા અને જીત્યા પણ હતા. 2019માં પણ તેઓ ચંદીગઢ બેઠક પરથી વિજેતા બન્યા હતા.
પરેશ રાવલ: ફિલ્મોમાં પોતાના કોમિક ટાઈમિંગથી લોકોના દિલ જીતનાર પરેશ રાવલ જ્યારે રાજકીય ક્ષેત્રે પ્રવેશ્યા ત્યારે તેમણે ત્યાં પણ દિલો પર રાજ કર્યું. પરેશ રાવલ ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ 2014માં અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપના સાંસદ બન્યા હતા.
ઉર્મિલા માતોંડકર: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો હતો. મુંબઈ નોર્થ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને હાર્યા હતા. થોડા સમય બાદ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આ પછી તે ડિસેમ્બર 2020માં શિવસેનામાં જોડાઈ ગયા.
નુસરત જહાં: નુસરત જહાંએ પણ ફિલ્મોથી રાજકારણમાં પ્રવેશ કર્યો છે. લોકસભામાં પોતાના ભાષણોને કારણે ચર્ચામાં રહેતી નુસરતે બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાની બસીરહાટ બેઠક પરથી 2019માં ચૂંટણી લડીને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ બની હતી.
મીમી ચક્રવર્તી: પ્રખ્યાત બંગાળી ફિલ્મ અભિનેત્રી મીમી ચક્રવતીએ 2019માં પશ્ચિમ બંગાળની જાદવપુર બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી અને જીત્યા. મિમી ચક્રવર્તીએ પણ ઈન્ડસ્ટ્રી છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જો કે ફેબ્રુઆરી 2024માં તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
કંગના રણૌત: ભાજપે 2024 લોકસભા ચૂંટણીમાં બોલીવૂડની આ આખા બોલી અભિનેત્રીને હિમચાલ પ્રદેશની મંડી બેઠક પરથી ટિકિટ આપી છે.