અમદાવાદમાં ગુડ ફ્રાઈડે ક્રુસિફિકેશન નિમિત્તે રેલીનું આયોજન

અમદાવાદ: ખ્રિસ્તી ધર્મમાં ગુડ ફ્રાઈડેનું ખાસ મહત્વ હોય છે. આ દિવસે ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસુ મસીહ એ માનવ કલ્યાણ માટે વધ સ્થંભ પર લટકી પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. એમને વધ સ્થંભ પર લટકાવી યાતનાઓ અપાઈ હતી. જેના દ્રશ્યો અમદાવાદ શહેરની મેથોડિસ્ટ યુથ ફેલોશિપના સભ્યોએ રાયખડ વિસ્તારમાં આબેહુબ રીતે રજૂ કર્યા હતા. શહેરના  જમાલપુર રાયખડમાં આવેલી ચર્ચ પાસેથી ગુડ ફ્રાઈડે નિમિત્તે એક રેલી નીકળી હતી.

વધસ્તંભ સેંટ ઝેવિયર્સ કોલેજ ચર્ચ

મેથડિસ્ટ ચર્ચના અગ્રણી રુફાસભાઈ ચિત્રલેખા.કોમને જણાવ્યું કે, ગુડ ફ્રાઈડે ક્રુસિફિકેશન રેલીનો ઉદ્દેશ માનવ જાતને પાપોમાંથી બચાવવા માટે ઇસુ ખ્રિસ્તે જે યાતનાઓ ભોગવી એ અસહ્ય હતી. ઈસુ ખ્રિસ્ત દ્વારા જે પીડા અને યાતનાઓ સહન કરવામાં આવી એ રેલીમાં લોકો સમક્ષ રજૂ કરાય છે. ઈસુ ખ્રિસ્તને યાદ કરી પ્રાર્થના કરવામાં આવે છે. શહેરના તમામ ચર્ચ માં ખ્રિસ્તી ધર્મ ના અનુયાયીઓએ પ્રાર્થના કરી હતી.

ઈસાઈ માન્યતાઓ અનુસાર પવિત્ર ગુરુવારની સાંજે ભોજન બાદ કોઈ ઉત્સવ નથી થતા. આ સમય ઈસ્ટરની અવધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહે છે. આ દિવસો દરમિયાન પૂજા સ્થળ ખાલી રહે છે. આ દિવસો દરમિયાન પૂજા ઘરમાં ક્રોસ, મીણબત્તી, વસ્ત્ર કંઈ જ પણ ચઢતું નથી. આ ઉપરાંત જળના પાત્ર પણ ખાલી કરી દેવામાં આવે છે. માનવામાં આવે છે કે ઈશુને ક્રોસ પર લટકાવાયા હતા તે દિવસ શુક્રવાર હતો ત્યારથી આ દિવસને ગુડ ફ્રાઈડ કહેવામાં આવે છે. ક્રોસ પર લટકાવાયાના ત્રણ દિવસ બાદ એટલે કે રવિવાર એ ઈસા મસીહ ફરી જીવિત થયા હતા. આ દિવસની ખુશી તરીકે ઈસ્ટર રવિવારની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને ઈસ્ટર સન્ડે કહેવામાં આવે છે.

ઈસાઈ ધર્મ અનુસાર ઈસા મસીહ પરમેશ્વરના પુત્ર હતા. ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડ એટલા માટે આપવામાં આવ્યો કારણ કે તે અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા લોકોને શિક્ષિત અને જાગૃત કરી રહ્યા હતા. એ  સમયે કટ્ટરપંથીઓ એમનો વિરોધ કરી રહ્યા હતા. ખ્રિસ્તી ધર્મના  સ્થાપક ઈશુએ પોતાના હત્યારાઓ માટે પણ પ્રાર્થના કરી કે ઈશ્વર તેમને ક્ષમા કરે કારણ કે તેઓ જાણતા નથી કે તે શું કરી રહ્યા છે.

પ્રજ્ઞેશ વ્યાસ (અમદાવાદ)