સરકારી શાળાની ઈમારત ધરાશાયીઃ ચાર બાળકોનાં મોત, 30થી વધુ ઘાયલ

ઝાલાવાડઃ રાજસ્થાનના ઝાલાવાડમાં શુક્રવારે સવારે સરકારી શાળાની ઈમારત ધરાશાયી થઈ હતી. પ્રારંભિક માહિતી અનુસાર છત ધરાશાયી થતાં 60થી વધુ બાળકો દબાઈ ગયાં હતાં. આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયાં અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ત્યાં ભેગા થઈ ગયા. તમામે મળીને કાટમાળ હટાવી બાળકોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું હતું.આ દુર્ઘટના મનોહર થાણા વિસ્તારમાં આવેલું રાજકીય ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલય પીપલોદીમાં બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે શાળામાં પ્રાર્થના ચાલી રહી હતી.

આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં માતા-પિતા શાળાએ પહોંચી ગયા અને પોતાનાં બાળકોને લઈ હોસ્પિટલ દોડી ગયા. હાલ સામે આવેલા વિડિયોમાં માતા-પિતાને આક્રંદ જોઈ શકાય છે.

સ્થાનિકો મદદે દોડ્યા

આ શાળાની છત ધરાશાયી થવાની ઘટના બાદ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.આ ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોએ કાટમાળ નીચે દટાયેલાં બાળકોને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. છત ધરાશાયી થયા પછીના કાટમાળને જોતાં એવું લાગે છે કે શાળા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે.

શિક્ષણ મંત્રી મદન દિલાવરે આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ઝાલાવાડની એક શાળામાં એક દુ:ખદ ઘટના બની છે. બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકોની સારવાર સરકારી ખર્ચે કરવામાં આવશે. છત કેવી રીતે તૂટી તે જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે.

રાજ્યના ભૂતપૂર્વ CM અશોક ગહેલોતે આ મામલે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઝાલાવાડમાં સરકારી શાળાની ઇમારત ધરાશાયી થવાથી ઘણાં બાળકો અને શિક્ષકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલો છે. હું ભગવાનને ઓછામાં ઓછી જાનહાનિ અને ઈજાગ્રસ્તોની ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.