સરકાર દ્વારા છઠ્ઠી ફેબ્રુઆરીએ નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવાની શક્યતા

નવી દિલ્હીઃ નવો ઇન્કમ ટેક્સ બિલનો ડ્રાફ્ટ છઠ્ઠી ફેબ્રુઆરીએ બજેટ સેશનમાં સંસદમાં રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. આ બિલ હાલના ઇન્કમ ટેક્સ કાયદામાં મોટા ફેરફાર લાવનારું છે. એમાંથી આશરે ત્રણ લાખ શબ્દો દૂર કરવામાં આવે એવી શક્યતા છે. જેથી એને સમજવાનું સરળ રહેશે. ઇન્કમ ટેક્સ કાયદો આશરે છ લાખ શબ્દોનો છે, જેનને અડધાથી ઓછો કરવાની યોજના બનાવી છે.

નવા બિલમાં ટેક્સનો વ્યાપ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એને ફેરફારથી સરકાર ટેક્સ સિસ્ટમને અસરકારક બનાવવા ઇચ્છે છે. નાણામંત્રી નિર્મલા સીતારમને કેન્દ્રીય બજેટમાં 1ર લાખ સુધીની આવક ટેકસ ફ્રી કરી મધ્યમવર્ગને મોટી રાહત આપી સાથે નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવા એલાન કર્યું હતું. જેને આગામી સપ્તાહે સંસદમાં રજૂ કરાશે.

નાણાં મંત્રીએ કહ્યું હતું કે આ ઇન્કમ ટેક્સનું નવું બિલ ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા લાવવામાં આવી રહ્યું છે. જો તેને સંસદની મંજૂરી મળી જાય છે અને તમામ પ્રક્રિયા પૂરી થઈ જાય છે તો દેશમાં ઇન્કમ ટેક્સનો નવો કાયદો આવશે. દેશમાં હાલ 1961નો ઇન્કમ ટેક્સ કાયદો લાગુ છે. બજેટ ર0ર0માં સરકારે આ કાયદા હેઠળ જ એક નવી ટેક્સ પદ્ધતિ લાગુ કરી હતી, પરંતુ જુલાઈ ર0ર4માં રજૂ કરાયેલા બજેટમાં સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે દેશમાં ઇન્કમ ટેક્સ કાયદો બદલવાની જરૂર છે. જે માટે સમીક્ષા સમિતિ રચવામાં આવી હતી.

નાણાં મંત્રીએ કહ્યું હતું કે એક દાયકાથી ટેક્સ રિફોર્મ લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી લોકો સરળ ભાષામાં ટેક્સની આ વ્યવસ્થા સમજી શકે. નવા ઇન્કમ ટેક્સ બિલને આવતાં સપ્તાહે સંસદમાં રજૂ કરાશે. નવા કાયદાથી ટેક્સ વ્યવસ્થા સરળ બનશે અને સામાન્ય લોકો તેને સમજી શકશે એટલે તે જરૂરી છે.