સોના-ચાંદી રેકોર્ડ ઊંચાઈએ, ચાંદી 14 વર્ષની ટોચે

નવી દિલ્હીઃ દેશમાં સોનાનો ભાવ મંગળવાર રૂ. 1,10,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે. વૈશ્વિક બજારમાં તેજીનો ટ્રેન્ડ ઘરેલુ બજાર પર પણ દેખાયો છે. વર્ષ 2025માં કીમતી ધાતુઓમાં તેજી યથાવત રહેવાની શક્યતા છે. વૈશ્વિક બજારમાં સોનું $3,475 પ્રતિ ઔંસ અને ચાંદી $40 પ્રતિ ઔંસ પર પહોંચી છે. ચાંદીના ભાવ 14 વર્ષના સર્વોચ્ચ સ્તરે છે. સોનું–ચાંદી વર્ષ-દર-વર્ષ 35–45 ટકા વધ્યાં છે, જે મોટા ભાગના એસેટ ક્લાસ કરતાં વધારે છે.

સોનું–ચાંદીના ભાવોએ ફરીથી રોકાણકારોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે, જ્યારે ચાંદી 14 વર્ષના શિખરે પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારમાં ડોલરની નબળાઈ, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડવાની અપેક્ષા અને ચાંદીની વધતી ઔદ્યોગિક માંગે કીમતી ધાતુઓની ચમક વધારી છે. MCX પર સોનું પ્રથમવાર રૂ. 1.10 લાખ પ્રતિ 10 ગ્રામના પાર પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા પ્રકાશિત આંકડા મુજબ દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ મંગળવારે રૂ. 10,804 પ્રતિ ગ્રામ નોંધાયો હતો.

ડોલરની નબળાઈ મુખ્ય કારણ

આ તેજીનું સૌથી મોટું કારણ અમેરિકી ડોલરની સતત નબળાઈ છે. ડોલર ઈન્ડેક્સ છેલ્લાં છ અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યો છે, જે સોનાને અન્ય ચલણ ધરાવતા રોકાણકારો માટે સસ્તું બનાવે છે અને તેથી તેની માગ વધે છે. ડોલરની નબળાઈનો સીધો સંબંધ અમેરિકી કેન્દ્રીય બેંક, ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ સાથે છે. બજારમાં આશા છે કે ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં વ્યાજદરામાં આક્રમક કાપ કરશે.

તાજેતરમાં જાહેર થયેલા અમેરિકી શ્રમ બજારના નિરાશાજનક આંકડાઓએ આ અપેક્ષાઓને વધુ બળ આપ્યું છે. ઓગસ્ટ મહિનામાં યુએસ નોન-ફાર્મ પેરોલ્સમાં ફક્ત 22,000 નોકરીઓ ઉમેરાઈ, જે 75,000ના અંદાજ કરતાં ઘણી ઓછી છે. આ જ મહિને બેરોજગારીનો દર વધીને 4.3 ટકા થયો. રોજગારીના આ નબળા આંકડા સૂચવે છે કે અમેરિકી અર્થતંત્ર પહેલાં માનવામાં આવતી તેટલી મજબૂત નથી, તેથી ફેડરલ રિઝર્વ પર વ્યાજદર ઘટાડવાનો દબાણ વધી રહ્યું છે.