ગેનીબેન ઠાકોરે ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત

ગુજરાત ભાજપના નેતાઓ હાલમાં દિલ્હીના આંટાફેરા કરી રહ્યાં છે. તાજેતરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં હતાં. ત્યાર બાદ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ અમિત શાહ અને સી.આર. પાટીલને મળ્યા હતાં. આ મુલાકાતોથી ભાજપના નવા પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરતાં રાજકારણમાં ચર્ચાઓ ચકડોળે ચડી છે.

ગુજરાતની બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે ગઈકાલે સંસદભવનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા, કચ્છ અને પાટણના ગામોમાં કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા BADP હેઠળ જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી અને 2020થી બંધ કરી દેવામાં આવી છે. તે ગ્રાન્ટ ચૂકવવાની માગ કરી છે. આ ગ્રાન્ટ ત્રણ જિલ્લાઓને આપવા માટે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ થાય માટે મળીને રજૂઆત કરી હતી.તે ઉપરાંત સરહદી વિસ્તારોમાં શિક્ષણ,આરોગ્ય, વીજળી અને પાણીની સુવિધાઓ વધારવા માટે રજૂઆત કરી હતી.