પલસાણામાંથી ચાર બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી

સુરતઃ જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે ઓદ્યૌગિક વિસ્તારમાં SOGની ટીમે ત્રણ અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને ધોરણ-10 પાસ, ધોરણ-12 પાસ અને બી.એ સુધી અભ્યાસ કરનાર ત્રણ બોગસ ડોકટરની ધરપકડ કરી હતી. જ્યારે ઉમરપાડા પોલીસે ત્રણ રસ્તા પાસે નેચરોપેથી અને ઇલેક્ટ્રો હોમિયોપથીનો અભ્યાસ કરી ડિગ્રી કે પ્રમાણપત્ર વિના દવાખાનું ચલાવતા 51 વર્ષના પ્રૌઢની ધરપકડ કરી હતી.

સુરત જિલ્લા SOGની ટીમે ગંગાધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.સચિન પટેલને સાથે રાખીને તાતીથૈયા ગામે સોની પાર્ક-01માં ઓમ ક્લિનિકમાં દરોડા પાડ્યા હતા. અહી પ્રેકટિસ કરતા સૌરભ શ્યામલ બિસ્વાસ પાસે ડોકટરની કોઈ માન્ય ડિગ્રી નહોતી. પોલીસે તેની ધરપકડ કરી મેડિકલનાં સાધનો તેમ જ દવા મળી કુલ 9802 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો.

ત્યાર બાદ ટીમે સોની પાર્ક-02માં ઓમ ક્લિનિકમાં રેડ કરી મિલન માખુમલાલ બિસ્વાસની ડોકટરની પ્રેક્ટિસ કરતા ધરપકડ કરી હતી. તેણે ધો-10 સુધી અભ્યાસ કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી 4391 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો, જ્યારે સોની પાર્ક-02માં આવેલા સુકન રેસિડેન્સીમાં સિકદાર ક્લિનિકમાં ડોક્ટર પ્રસનજિત શાંતા સિકદારની તપાસ કરતાં તે ધો.12 સુધી ભણેલો હોવાનું બહાર આવતાં ધરપકડ કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી 13,895 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો. તમામ બોગસ ડોકટર વિરુદ્ધ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

આ સાથે ઉમરપાડા ત્રણ રસ્તા પાસે આસ્થા દવાખાનામાંથી બની બેઠેલા ડોક્ટર કાંતિલાલ દામજીભાઈ વસાવાની ધરપકડ કરી છે. કાંતિ વસાવાએ  ધોરણ-12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો હતો. તેણે નેચરોપેથી અને ઇલેક્ટ્રો હોમિયોપોથીનો અભ્યાસ કરેલો અને એકાદ વર્ષથી દવાખાનું ચલાવતો હતો. પોલીસે દવા તેમજ મેડિકલ સાધનો સાથે કુલ 5243 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાંતિલાલ વસાવાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.