પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી માંદગી બાદ નિધન

વડોદરા: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી માંદગી બાદ બુધવારે અવસાન થયું છે. તેઓ કેન્સરની બિમારી સામે જીવનની જંગ હાર ગયા. તેમણે 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. ગાયકવાડે ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી હતી. તે 2000 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં રનર-અપ થનારી ભારતીય ટીમના કોચ પણ હતા. ગાયકવાડ ગયા મહિને દેશમાં પરત ફર્યા તે પહેલા લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં બ્લડ કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. અંશુમાન ગાયકવાડના અંતિમ સંસ્કારમાં સામેલ થવા નયન મોંગીયા અને રોજર બિન્ની પહોંચ્યા હતા. અંશુમાન ગાયકવાડના ઘરે પૂર્વ ક્રિકેટરો તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ઉપરાંત અનેક પૂર્વ ક્રિકેટરો, બરોડા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો પણ પહોંચ્યા હતા. કીર્તિ મંદિર ખાતે અંતિમવિધિ કરવામાં આવશે. રાજવી પરિવારના સભ્યોના અંતિમ સંસ્કાર કીર્તિ મંદિર ખાતે કરાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ અંશુમાન ગાયકવાડના નિધન પર શોક વ્યક્ત કરતા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટ ખેલાડી અને કોચ અંશુમાન ગાયકવાડજીના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરું છું. ભારતીય ક્રિકેટ જગતમાં તેમનું યોગદાન અવિસ્મરણીય રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનો તથા પ્રશંસકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.’

BCCIએ અંશુમન ગાયકવાડની સારવાર માટે 1 કરોડ રૂપિયાની સહાયની રકમ જાહેર કરી હતી. 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યોએ પણ ક્રિકેટરને મદદ કરી હતી.ગાયકવાડે 22 વર્ષની કારકિર્દીમાં 205 ફર્સ્ટ ક્લાસ મેચો પણ રમી હતી. બાદમાં તેમણે ભારતીય ટીમના કોચનું પદ સંભાળ્યું હતું. 1998માં શારજાહ ખાતે અને ફિરોઝશાહ કોટલામાં ટેસ્ટ મેચમાં તેમની સૌથી મોટી ક્ષણ આવી હતી, જ્યારે અનિલ કુંબલેએ 1999માં પાકિસ્તાન સામેની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી.