નવી દિલ્હીઃ હરિયાણા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય ધર્મસિંહ છોક્કરની ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ધર્મસિંહ છોક્કરની મની લોન્ડરિંગના આરોપ હેઠળ દિલ્હીથી ધરપકડ કરી છે. ભૂતપૂર્વ ધારાસભ્યની દીનદયાળ આવાસ યોજના હેઠળ થયેલા નાણાકીય કૌભાંડના સંદર્ભે ધરપકડ કરવામાં આવ્યા છે. તેમની કંપની પર લગભગ રૂ. 1500 કરોડના મની લોન્ડરિંગનો આરોપ છે.
ધર્મસિંહ છોક્કર પોલીસની નોકરી છોડીને રાજકારણમાં આવ્યા હતા. તેમના બે ભાઈઓ હતા, જેમાંથી એક ઈંદરસિંહ છોક્કર વર્ષ 2000માં પોલીસ નોકરી છોડીને પહેલા INLDના કાર્યકર બન્યા. ત્યાર બાદ તેમણે સમાલખા વિધાનસભામાંથી રાજકારણની શરૂઆત કરી. INLD તરફથી ટિકિટ ન મળતાં તેઓ અપક્ષ ઊભા રહી ચૂંટણી લડ્યા હતા. આ દરમિયાન તેઓ ભૂતપૂર્વ CM ભજનલાલના સંપર્કમાં આવ્યા અને પાર્ટીમાં સામેલ થયા. ઈંદરસિંહના અવસાન પછી તેમના ભાઈ ધર્મસિંહ છોક્કરે તેમની રાજકીય વારસો સંભાળ્યો. ઈંદરસિંહ છોક્કરના વર્ષ 2007માં અવસાન બાદ ધર્મસિંહ છોક્કર 2008માં રાજકારણમાં પ્રવેશ્યા હતા.
બીજી વખત ધારાસભ્ય બન્યા
તેઓ કોંગ્રેસના ઉમેદવાર સંજય છોક્કરને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા. 2014માં ધર્મસિંહ છોક્કરે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો. હાર્યા બાદ પણ તેઓ પાંચ વર્ષ સુધી પોતાની વિધાનસભામાં સક્રિય રહ્યા અને 2019માં તેમણે ભાજપના શશિકાંત કૌશિકને હરાવીને બીજી વાર ધારાસભ્ય બન્યા.
