ગાંધીનગર: ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ફરી એકવાર સરકારથી નારાજ થયા છે. તેમણે કેન્દ્રીય મંત્રીને ટોલ ટેક્સ મુદ્દે ફરિયાદ કરી છે. તેમણે એવો ટોણો પણ માર્યો છે કે, ‘ટોલ ટેક્સ બચાવવા માટે હું મારી કાર પર પૂર્વ મંત્રી લખતો નથી. હું તમામ ટોલ ટેક્સ પર ટેક્સ ભરૂં છું. ટોલ ટેક્સને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે. લોકો અન્યાય સહન કરી રહ્યા છે’
ભાજપના પૂર્વ મંત્રી જ કેન્દ્ર સરકારથી નારાજ
જુનાગઢ-પોરબંદર વિસ્તારમાં ટોલ ટેક્સને લઈને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખી રજૂઆત કરી છે કે, ‘તાલુકા, જિલ્લા મથકોએ રજૂઆત કરવા જનારા લોકોને અસહ્ય ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. તમારા માટે આ વિસ્તાર સાવ નવો છે. આ કારણોસર આવિસ્તારના પ્રાણ પ્રશ્નોથી તમે અજાણ હશો તે સ્વભાવિક છે. પોરબંદરથી કોઈ વ્યક્તિ ગાંધીનગર રજૂઆત કરવા જાય તો 290 રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. જો કોઈ અરજદાર વેરાવળથી ગાંધીનગર જાય 305 રૂપિયા ટોલ ટેક્સ ભરવો પડે છે જે ખરેખર અન્યાયકર્તા છે.
