લાલ કિલ્લામાં ઘૂસવાનો પ્રયાસ કરનારા પાંચ બાંગ્લાદેશીની ધરપકડ

નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસના થોડા દિવસો પહેલા દિલ્હી પોલીસે લાલ કિલ્લામાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરતા પાંચ બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે સોમવારે જણાવ્યું હતું કે આ તમામ 20થી 25 વર્ષના મજૂરો છે અને NCR વિસ્તારમાં કામ કરતા હતા. પોલીસે તેમની પાસેથી કેટલાક બાંગ્લાદેશી દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. હાલમાં તેમની પૂછપરછ ચાલી રહી છે. આ ઘટનાએ સ્વતંત્રતા દિવસ પૂર્વે લાલ કિલ્લાની સુરક્ષા વ્યવસ્થાપર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.

ગુરુગ્રામમાં પણ 10 બાંગ્લાદેશી પકડાયા

આ પહેલાં ગુરુગ્રામ પોલીસે પણ શહેરમાં અનધિકૃત રીતે રહેલા દસ બાંગ્લાદેશી નાગરિકોને પકડી લીધા હતા. તેમની પાસેથી પણ બાંગ્લાદેશી દસ્તાવેજો મળ્યા હતા. ગુરુગ્રામ પોલીસના PRO સંદીપકુમારે જણાવ્યું હતું કે તમામને પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી આ ધરપકડો એ વાતનો પુરાવો છે કે દિલ્હી-NCR વિસ્તારમાં અનધિકૃત ઘૂસણખોરી એક ગંભીર સુરક્ષા ચિંતાનું કારણ બની છે.

સાત પોલીસ કર્મચારી સસ્પેન્ડ

15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આવી જ એક સુરક્ષા ડ્રિલમાં નકલી બોમ્બ શોધી ન શકવાને કારણે દિલ્હી પોલીસના સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં કોન્સ્ટેબલ અને હેડ કૉન્સ્ટેબલ સામેલ છે. પોલીસે જણાવ્યું કે સ્પેશિયલ સેલની એક ટીમે શનિવારે નાગરિક વેશમાં લાલ કિલ્લા પર નકલી બોમ્બ સાથે ઘૂસવાની ડ્રિલ કરી હતી. ત્યારે સુરક્ષામાં તહેનાત પોલીસ કર્મચારીઓ બોમ્બ શોધી શક્યા ન હતા, જેને કારણે બેદરકારીના આરોપ હેઠળ કાર્યવાહી કરવામાં આવી.