ચંદન મિશ્રા હત્યાકાંડમાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ

પટનાઃ બિહારમાં ચંદન મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે આ હત્યાકાંડમાં સંડોવાયેલા પાંચ આરોપીઓની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી છે. હાલ ત્યાં જ પોલીસ ટીમ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. જોકે પોલીસ અધિકારીઓએ હજુ સુધી આ ધરપકડની પુષ્ટિ કરી નથી. જેલમાં બંધ ગુનેગાર શેરુસિંહે આ હત્યા માટે સુપારી આપી હતી.

આ હત્યાની ઘટના પછી તૌસીફ પટનાના ફુલવારીશરીફમાં આવેલા પોતાના ઘરે ગયો હતો. ત્યાંથી તે પોતાની બહેન, માતા અને પિતા સાથે ગયાજી ગયો અને બધાને ત્યાં ઉતાર્યા પછી પશ્ચિમ બંગાળ ભાગી ગયો. પોલીસે તૌસીફના પરિવારજનોની પણ પૂછપરછ કરી હતી. શૂટરોને આશરો આપનારાઓ, બાઈક અને હથિયાર ઉપલબ્ધ કરાવનારા કેટલાક લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે અને તેમનાથી પૂછપરછ ચાલી રહી છે.

પોલીસે અગાઉ જણાવ્યું હતું કે તેણે આ હત્યાકાંડમાં સંડોવાયેલા કેટલાક શૂટરોની ઓળખ કરી છે. પોલીસે જણાવ્યુ હતું કે આ શૂટઆઉટને ફુલવારીશરીફનો રહેવાસી તૌસીફ ઉર્ફે બાદશાહ લીડ કરી રહ્યો હતો. તેના સાથી શૂટરોમાં મન્નુ, સુરજભાન અને ભિંડી ઉર્ફે બલવંતસિંહનાં નામ છે. હોસ્પિટલમાં ઘૂસેલા પાંચમો શૂટર કોણ છે તેની ઓળખ ચાલી રહી છે. એક શૂટર હોસ્પિટલની બહાર ઊભો હતો તેની ઓળખ પણ હજુ બાકી છે. અન્ય શૂટરો બક્સર જિલ્લાના છે. જેમાંથી મન્નુ બેલાઉર ગામનો અને બલવંતસિંહ લીલાધરપુર ગામનો છે. મુખ્ય શૂટર તૌસિફ ઉર્ફે બાદશાહે હત્યાનો વિડિયો પણ બનાવ્યો હતો. કુલ પાંચ નહીં, પરંતુ છ શૂટરો આવ્યા હતા. જેમાંથી પાંચ હોસ્પિટલે અંદર ઘૂસ્યા હતા અને એક બહાર ઊભો રહ્યો હતો. હત્યા પછી આ તમામ શૂટરો હથિયાર લહેરાવતા ફરાર થઈ ગયા હતા.