અમદાવાદઃ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાળુપુર વિસ્તારના પાંચકુવાના રેવડીબજાર માર્કેટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં વિસ્તારમાં અફરાતફરી મચી હતી. અહીં 5-6 જેટલી દુકાનો આગની ઝપટમાં આવી ગઈ છે. આગની તીવ્રતા જોતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેટની ટીમ ઘટનાસ્થળે
ફાયર કંટ્રોલ રૂમને જાણ થતાં જ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે થઈ છે. હાલ ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધને ધોરણે ચાલી રહી છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતને મોટા નુકસાનની ભીતિ છે. રેવડી બજાર કાપડના વેપાર માટે જાણીતું હોવાથી માર્કેટમાં માલસામાનનો મોટો જથ્થો હોય છે, જેને કારણે આગ વધુ પ્રસરવાનો ભય સેવાઈ રહ્યો છે. આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે.
બજારમાં આગ લાગતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના ધુમાડાના ગોટેગોટા દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો. ભરચક વિસ્તાર હોવાથી આગ વધુ ફેલાય તો સ્થિતિ વિકરાળરૂપ ધારણ કરી શકે છે. જોકે રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. જોકે પ્લાસ્ટિકની દુકાનોમાં લાગેલી આગને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.




