જયપુરના SMS હોસ્પિટલમાં અગ્નિકાંડઃ સાતનાં મોત

જયપુરઃ જયપુરની સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલમાં. લાગેલી આગમાં બે મહિલા સહિત સાત દર્દીઓનાં મોત થયાં છે. આ દુર્ઘટના ટ્રોમા સેન્ટરના બીજી માળે આવેલી ન્યુરો ICU વોર્ડના સ્ટોરમાં બની હતી. આ સ્ટોરમાં રાત્રે 11.20એ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી, જેને કારણે સ્ટોરમાં રાખેલા કાગળ, ICUનો માલસામાન અને બ્લડ સેમ્પલ ટ્યુબમાં આગ લાગી. જે પછી ઝેરી ધુમાડો આખા ICUમાં ફેલાયો હતો.

સંપૂર્ણ વોર્ડ બળીને ખાખ થયો

અહીં ટ્રોમા સેન્ટર અને હોસ્પિટલના ICUને મળીને કુલ 24 દર્દીઓ દાખલ હતા. બધા ગંભીર હાલતમાં હતા. આગ લાગતાં જ દર્દીઓને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 11 દર્દીઓની હાલત ખૂબ નાજુક બની ગઈ, જેમાંથી સાતે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો જ્યારે ચારની હાલત અત્યંત ગંભીર છે. હોસ્પિટલમાં લાગી ગયેલી આગ એટલી ભયાનક હતી કે આખો વોર્ડ બળી ખાખ થયો હતો.

મૃતકોના પરિવારજનોના ગંભીર આક્ષેપો

હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનોએ ICUમાં આગ માટે બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે ધુમાડો ફેલાતાં જ વોર્ડબોય અને અન્ય સ્ટાફ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. લાંબા સમય સુધી દર્દીઓને બહાર કાઢવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. દર્દીઓના પરિવારજનો જ પોતાના સ્વજનોને બહાર ખેંચવા લાગ્યા, પરંતુ તેમ છતાં સાત જણનાં મોત થયાં.

મૃતકોના પરિવારને 5-5 લાખની સહાય

આ ઘટનાની માહિતી મળતાં જ CM ભજનલાલ શર્મા તરત જ SMS હોસ્પિટલ પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમની સાથે આરોગ્ય મંત્રી જવાનરસિંહ બેધમ પણ હાજર હતા. CMએ મૃતકોના પરિવારજનોને રૂ. 5-5 લાખની સહાય અને ઘાયલોને મફત સારવાર આપવાની જાહેરાત કરી હતી. તેમણે હોસ્પિટલ વહીવટી તંત્રને કડક તપાસના આદેશ આપ્યા હતા અને કહ્યું હતું કે આવી ઘટનાઓ અસ્વીકાર્ય છે, દોષિતોને છોડવામાં નહીં આવે.