બેંગલુરુમાં શિલ્પા શેટ્ટીની રેસ્ટોરાં સામે પોલીસ દ્વારા FIR

બેંગલુરુઃ બોલિવુડ અભિનેત્રી અને બિઝનેસ વુમન શિલ્પા શેટ્ટીની રેસ્ટોરાં ‘બાસ્ટિયન’ની સામે બેંગલુરુ પોલીસે FIR નોંધી છે. આરોપ છે કે અહીં મોડી રાત સુધી પાર્ટી ચાલી અને નિયમોનું ઉલ્લંઘન થયું છે. અહેવાલ મુજબ 11 ડિસેમ્બરની રાત્રે બાસ્ટિયન રેસ્ટોરાં લગભગ 1:30 વાગ્યા સુધી ખુલ્લી રહી, જ્યારે નક્કી કરેલી સમયમર્યાદા તે પહેલાંની છે. પોલીસે તેને નિયમોનું ઉલ્લંઘન માન્યું અને કુબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. આ કાર્યવાહી કર્ણાટક પોલીસ એક્ટની કલમ 103 હેઠળ કરવામાં આવી છે.

મેનેજરો અને સ્ટાફ સામે પણ કાર્યવાહી

આ FIR માત્ર રેસ્ટોરાં સામે જ નહીં, પરંતુ તેના મેનેજરો અને સ્ટાફ સામે પણ નોંધવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે મોડી રાત સુધી પાર્ટી ચાલુ રહેવા દેવામાં અને નિયમોની અવગણનામાં મેનેજમેન્ટની સીધી જવાબદારી છે. આ કારણે તેમની સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

બીજો પબ પણ ફસાયો

રસપ્રદ વાત એ છે કે માત્ર બાસ્ટિયન જ નહીં, પરંતુ ‘સોર બેરી’ પબ સામે પણ કેસ નોંધાયો છે. આ પબ પણ મોડી રાત સુધી ખુલ્લો રહ્યો હતો અને નિયમોનું ઉલ્લંઘન કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને સ્થળેથી આઠ લોકોનાં નિવેદનો નોંધ્યાં છે.

શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ

શિલ્પા શેટ્ટી માત્ર સફળ અભિનેત્રી જ નહીં, પરંતુ ‘બાસ્ટિયન’ નામની રેસ્ટોરાં ચેઇનની માલિક પણ છે, જે મુંબઈ, ગોવા અને બેંગલુરુમાં કાર્યરત છે. બેંગલુરુમાં થયેલા આ વિવાદ બાદ તેમની બિઝનેસ ઈમેજ પર પ્રશ્નો ઊભા થયા છે. જોકે હજી સુધી શિલ્પા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

તાજેતરમાં શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રા સામે મુંબઈના બિઝનેસમેન દીપક કોઠારીએ 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. 2015થી 2023 દરમિયાન ‘બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ’માં કરાયેલા રોકાણના પૈસા વ્યક્તિગત ખર્ચમાં વાપરવામાં આવ્યા હોવાનો કેસ પણ નોંધાયો હતો.