ઓસ્કાર-ક્વોલિફાઈંગ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી ‘રીહા (અનલૉક્ડ)’

અમદાવાદ: વર્ષ 2017માં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ એ મુસ્લિમ મહિલાઓ માટે શ્રીમદ ચિન્હરૂપ ચુકાદો હતો. આ સામાજિક ચળવળના પરિણામે મુસ્લિમ મહિલાઓના અધિકારોને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા. આ ચળવળ પાછળની એક મુખ્ય વ્યક્તિ એટલે ઝાકિયા સોમન. હવે તેમના પર આધારિત શોર્ટ ફિલ્મને ચારે તરફથી પ્રશંસા મળી રહી છે.30-મિનિટની ફિલ્મ, રીહા (અનલૉક) એક અપમાનજનક લગ્નમાં ફસાયેલી મુસ્લિમ મહિલાની ભાવનાત્મક અને જટિલ સફરને દર્શાવવામાં આવી છે. એક મહિલા પોતાના પરિણીત જીવનમાં કેટલાંક સંઘર્ષો સામે ઝઝૂમી રહી હોય છે. આ દરમિયાન એક ટ્રિપલ તલાક પીડિત મહિલા તેમની પાસે મદદ માગવા માટે આવે છે. આ બંન્ને મહિલાઓના રસ્તાઓ અલગ-અલગ હતા, પરંતુ મંજિલ એક જ હતી. બંન્ને પોતાના જીવનમાં સ્વતંત્રતાની ઝંખના કરી રહી હતી.ફિલ્મના ડિરેક્ટર અરાસ્તુ ઝાકિયાનું કહેવું છે કે, “આ ફિલ્મ મેં મારી માતાના સંધર્ષને એક શ્રદ્ધાંજલિ તરીકે અર્પણ કરી છે. ખાસ કરીને મને બચાવવા બદલ હું તેમનો આભાર માનું છું. દેશભરની લાખો મહિલાઓને સશક્ત બનાવવા માટે સંયુક્તપણે શરૂ કરેલી એક ચળવળનું તેમણે નેતૃત્વ કર્યું છે. તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં નાવેદ અસલમ, વારા રતુરી અને આલોક ગાગડેકર સાથે જાણીતા કલાકારો ઈન્દુ શર્મા અને અશ્વથ ભટ્ટ છે. આ દરેક કલાકારે પોતાના પાત્રોના સંઘર્ષને, વાર્તાની તીવ્રતા અને સૂક્ષ્મતાને પડદા પર બખૂબી રીતે દર્શાવી છે.”‘રીહા’ ફિલ્મનું પ્રીમિયર ભારતના એકમાત્ર ઓસ્કાર-ક્વોલિફાઈંગ ફિલ્મ ફેસ્ટિવલ, ‘બેંગાલુરૂ ઈન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ (BISFF)’ માં થયું હતું. તેમજ ફિલ્મ આગામી 19મી ઓક્ટોબરના રોજ સિએટલમાં આયોજિત વિશ્વના એકમાત્ર સાઉથ એશિયન ઓસ્કાર-ક્વોલિફાઈંગ ફિલ્મ ફેસ્ટિવલ, Tasveer ખાતે પ્રદર્શિત કરવામાં આવશે. નવેમ્બરમાં ધર્મશાલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (DIFF)માં સ્ક્રીનિંગ કરવા માટે પણ તેની પસંદગી કરવામાં આવી છે.આ અંગે દર્શકોનો આભાર માનતા અરાસ્તુ ઝાકિયાએ કહ્યું કે, ” વિશ્વભરના દર્શકોને ફિલ્મ પસંદ આવી રહી છે તેના માટે મારી પાસે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સિવાય બીજું કંઈ નથી. પરંપરાગત, પ્રણાલીગત અન્યાય સામે ઉભરી રહેલી કેટલીક સામાન્ય મહિલાઓની તાકાતને હવે વિશ્વના પડદે પ્રોત્સાહન મળી રહ્યું છે. તે ખરેખર બહુ જ મોટી વાત છે.”