દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ખેડૂતો પર ટેક્સ લગાડાયોઃ ખડગે

નવી દિલ્હીઃ GST કાઉન્સિલે બુધવારે સર્વસંમતિથી GSTમાં વ્યાપક સુધારાઓને મંજૂરી આપી છે. GSTમાં પાંચ ટકા અને 18 ટકાની બે સ્તરીય કર રચનાને મંજૂરી આપવામાં આવી છે. નવા દરો 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. આ નિર્ણયથી વ્યક્તિગત ઉપયોગની લગભગ બધી જ ચીજવસ્તુઓ પર દરોમાં કાપ મૂકવામાં આવ્યો છે. એ સાથે જ વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર ટેક્સમાંથી સંપૂર્ણ રાહત આપવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસે આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું છે.

પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સામાન્ય લોકો પાસેથી એકત્ર કરાયેલા કર દ્વારા થયેલા રેકોર્ડ GST સંગ્રહની ઉજવણી કરવા બદલ કેન્દ્ર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે દેશના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ખેડૂતો પર કર લગાવવામાં આવ્યો છે.

મોદી સરકારે કૃષિ ક્ષેત્રની ઓછામાં ઓછી 36 ચીજવસ્તુઓ પર GST લગાવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે સરકારે એક રાષ્ટ્ર, એક કરને એક રાષ્ટ્ર, નવ કરમાં ફેરવ્યો છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દાયકાથી GSTમાં સુધારાઓની વકીલાત કરતી આવી છે. મલ્લિકાર્જુન ખડગેએ X પર લખ્યું હતું કે લગભગ એક દાયકાથી કોંગ્રેસ GSTના સરળીકરણની માગ કરતી આવી છે. મોદી સરકારે ‘એક રાષ્ટ્ર, એક કર’ને ‘એક રાષ્ટ્ર, નવ કર’માં બદલી નાખ્યો છે. જેમાં 0%, 5%, 12%, 18%, 28%ના ટેક્સ સ્લેબ્સ અને 0.25%, 1.5%, 3% અને 6%ના વિશેષ દરો સામેલ હતી.

કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ GSTનું નામ બદલીને “ગબ્બર સિંહ ટેક્સ” રાખી દીધું છે, કારણ કે સરકારે રોજબરોજની આવશ્યક ચીજો જેવી કે દૂધ, દહીં, લોટ, અનાજ અને બાળકોની પેન્સિલ-પુસ્તકો, સાથે સાથે ઓક્સિજન, વીમા અને હોસ્પિટલના ખર્ચ પર પણ ટેક્સ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે દેશના GST સંગ્રહનો બે તૃતીયાંશ હિસ્સો મધ્યમ વર્ગ પાસેથી આવે છે, જ્યારે દેશના અબજોપતિઓ માત્ર ત્રણ ટકા GST જ ચૂકવે છે.