બિહારના ગોપાલ ખેમકા હત્યા કેસનો ખુલાસો

પટના: પટનામાં જાણીતા વેપારી ગોપાલ ખેમકાની તેમના ઘરના બહાર અજાણ્યા ગુનેગારો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાના આ ઘટનાક્રમ બાદ બિહારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને વિપક્ષ સતત નીતીશ સરકાર પર હુમલો કરી રહ્યો છે. આજે બિહાર પોલીસ દ્વારા આ હત્યાકાંડ સંબંધિત દરેક કડી અને દરેક સત્યનો ખુલાસો કરવામાં આવ્યો છે.

પટનામાં DGPએ ઉચ્ચ અધિકારીઓ સાથે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હત્યાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) બનાવવામાં આવી હતી અને તપાસમાં અનેક ખુલાસાઓ થયા છે.

જમીન વિવાદ હત્યાનું કારણ
પોલીસના જણાવ્યાનુસાર ગોપાલ ખેમકાની હત્યાનું મુખ્ય કારણ જમીનનો વિવાદ હતું. આ હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ અશોક સાવ છે. એણે જ ગોપાલ ખેમકાની હત્યા કરાવવાની યોજના ઘડી હતી. પટના પોલીસે એક એન્કાઉન્ટરમાં વિકાસ ઉર્ફે રાજા નામના આરોપીની હત્યા કરી છે. માલ સલામી વિસ્તારમાં રાત્રે 2:45 વાગે થયેલી અથડામણમાં રાજાની હત્યા થઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, રાજાના શૂટર ઉમેશ યાદવ સાથે સંબંધ હતા. ઘટનાસ્થળેથી પોલીસને એક પિસ્તોલ, કારતૂસ અને ખોખાં મળ્યાં છે. રાજાએ જ ખેમકાની હત્યા માટે શૂટર ઉમેશને હથિયાર આપ્યાં હતાં.

શૂટર ઉમેશ યાદવે લીધી હતી ખેમકાની સુપારી

એક દિવસ પહેલાં પોલીસે ઉમેશ યાદવ નામના શૂટરને માલ સલામી વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. ઉમેશની માહિતીને આધારે STF અને પટના પોલીસે સાથે મળીને કોઠવાલી પોલીસ સ્ટેશનની નજીક આવેલ ઉદયગિરી એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા. ઉમેશે જ ગોપાલ ખેમકાની હત્યાની સુપારી લીધી હતી. પોલીસે ગંગાના કિનારેથી હથિયાર પણ જપ્ત કર્યાં છે.