ઇથોપિયામાં જ્વાળામુખી ફાટ્યો: રાખ દિલ્હી પહોંચી, અનેક ફ્લાઈટ્સ રદ

ઇથિયોપિયા: અહીંનો હેઇલ ગુબ્બિન જ્વાળામુખી ફાટવાથી ઉદભવેલી રાખનું એક વિશાળ વાદળ 25,000-45,000 ફૂટની ઊંચાઈએ ભારત પહોંચ્યું છે. જેની સીધી અસર દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર ભારતના મોટા ભાગો પર પડી છે. રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI 400ને પાર પહોચી ગયો છે અને ઝેરી ધુમ્મસ ફેલાયું છે. આનંદ વિહાર, AIIMS અને સફદરજંગની આસપાસ દૃશ્યતા ઘટી ગઈ છે. જ્વાળામુખીની રાખને કારણે, અકાસા એર, ઇન્ડિગો અને ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે અને કેટલીક રદ પણ કરવામાં આવી છે. જ્વાળામુખી ફાટવાની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. તેની રાખ આકાશમાં ઊંચે સુધી ફેલાઇ ગઈ છે, જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો રૂટ બદલવો પડ્યો હતો. અમુક ફ્લાઇટમાં મોડું થઈ રહ્યું છે અને અમુકને બીજા રસ્તેથી મોકલવામાં આવી રહી છે જેથી વિમાન રાખના વાદળોથી દૂર રહે. દિલ્હી પહોંચ્યું રાખનું વાદળ

ઇથિયોપિયાના હાયલી દુબ્બી જ્વાળામુખી ફાટ્યા બાદ ઉત્પન્ન થયેલો વિશાળ રાખનો ગોટો સોમવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી ગયો. હવામાનના જાણકારો છેલ્લાં એક દિવસથી આ રાખના વાદળને જોઈ રહ્યા હતા. આ રાખનું વાદળ લાલ સાગર પાર કરીને આશરે 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ વધી રહ્યું હતું. સૌથી પહેલાં આ રાખનું વાદળ ભારતમાં પશ્ચિમી રાજસ્થાનના જોધપુર અને જેસલમેરની ઉપરથી આવ્યું. બાદમાં ધીમે-ધીમે આ રાખનું વાદળ દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં ફેલાઇ ગયું.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એરલાઇન્સને ચેતવણી જારી કરી છે, જેમાં તેમને રાખ ધરાવતા વિસ્તારો અને ઊંચાઈથી દૂર રહેવા, રૂટ બદલવા અને એન્જિનનું નિરીક્ષણ કરવા જણાવ્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે સપાટી પરની હવાની ગુણવત્તા પર ખાસ અસર થશે નહીં, પરંતુ ઊંચાઈ પર ઉડાન જોખમમાં રહેશે.

હેલી ગુબ્બી જ્વાળામુખી 10,000 વર્ષમાં પ્રથમ વખત ફાટ્યો
ઇથોપિયાનો હેલી ગુબ્બી જ્વાળામુખી લગભગ 10,000 વર્ષમાં પ્રથમ વખત ફાટ્યો છે. વિસ્ફોટ દરમિયાન રાખનો વિશાળ ગોળ ગોળ આકાશમાં 10 થી 15 કિલોમીટર સુધી ઉછળ્યો. વૈજ્ઞાનિકો કહે છે કે આ એક દુર્લભ કુદરતી ઘટના છે અને આસપાસના વિસ્તારોના હવામાન અને હવાની ગુણવત્તા પર અસર કરી શકે છે.

ઇથોપિયા જ્વાળામુખી ફાટવાની ભારત પર ક્યાં અસર થશે?
ઇથોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીમાંથી નીકળતો રાખનો વાદળ ગુજરાતથી ભારતમાં પ્રવેશ કરશે અને પછી રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર ભારતના ઘણા વિસ્તારો તરફ જશે.

ઇન્ડિગોએ નિવેદન જારી કર્યું
ઇથોપિયામાં હેલી ગુબ્બી જ્વાળામુખી ફાટ્યા બાદ રાખના વાદળો પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યા હોવાના અહેવાલો પર ઇન્ડિગોએ એક નિવેદન જારી કર્યું છે. એરલાઇને જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી તેની ટોચની પ્રાથમિકતા છે. તેની ટીમો આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન એજન્સીઓ સાથે મળીને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે સલામત અને સરળ ફ્લાઇટ કામગીરી માટે તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે.

મુસાફરોને સતર્ક રહેવાની સલાહ 
ઇથોપિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ રચાયેલા રાખના વાદળોને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાએ મુસાફરો માટે સલાહ જારી કરી છે. એરલાઇને જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ઓપરેટિંગ ક્રૂ નિયમિત સંપર્કમાં છે. હાલમાં ફ્લાઇટ્સ પર કોઈ મોટી અસર થઈ નથી. મુસાફરો, ક્રૂ અને વિમાનની સલામતીને તેની ટોચની પ્રાથમિકતા ગણાવતા, એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે જરૂરિયાત મુજબ તમામ સાવચેતીનાં પગલાં લેવામાં આવશે. ગ્રાઉન્ડ ટીમો મુસાફરોને સતત અપડેટ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.