મુંબઈઃ આજે સવારે 8.45 વાગ્યે ચર્ની રોડસ્થિત એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં અવસાન પામેલા બોલીવૂડ અભિનેતા રિશી કપૂરના આજે બપોરે મરીન લાઈન્સ સ્થિત ચંદનવાડી ઈલેક્ટ્રિક સ્મશાનભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
અંતિમ સંસ્કાર વખતે રિશીના પત્ની નીતૂ સિંહ-કપૂર, પુત્ર રણબીર, પુત્રી રિધીમા કપૂર-સાહની, મોટા ભાઈ રણધીર કપૂર, નાના ભાઈ રાજીવ કપૂર, બહેન રીમા જૈન, આલિયા ભટ્ટ તથા અન્ય પરિવારજનો હાજર રહ્યા હતા.
મુંબઈ પોલીસે કપૂર પરિવારને વિનંતી કરી હતી કે હાલ કોરોના વાઈરસ ફેલાયો હોવાથી અને લોકડાઉન લાગુ હોવાથી રિશી કપૂરના પાર્થિવ શરીરને ઘેર ન લઈ, હોસ્પિટલમાંથી સીધા ચંદનવાડી ખાતે જ લઈ જવું. તેથી પરિવારજનો, નિકટનાં સગાંઓ અને જૂજ નિકટનાં મિત્રો સ્મશાનભૂમિ ખાતે હાજર રહ્યાં હતા.
હાજર રહેલા અન્યોમાં રિશી-નીતૂનાં ભત્રિજી કરીના કપૂર-ખાન, સૈફ અલી ખાન, અભિષેક બચ્ચનનો પણ સમાવેશ થાય છે. હાજર રહેનાર વ્યક્તિઓનાં નામ પોલીસને અગાઉથી આપવા પડ્યા હતા.
રિશી કપૂરના પાર્થિવ શરીરને હોસ્પિટલમાંથી ફૂલોથી શણગારેલી એમ્બ્યુલન્સમાં ચંદનવાડી લઈ જવામાં આવ્યું હતું.
એ પહેલાં રિધીમા કપૂર-સાહનીને પિતાનાં અંતિમ સંસ્કાર વખતે હાજર રહેવા માટે દિલ્હીથી મુંબઈ આવવાની ખાસ પરવાનગી આપવામાં આવી હતી. દિલ્હી પોલીસે એ માટે તેમને ટ્રાવેલ પાસ આપ્યો હતો.