કેટલાકને ટ્વિટરનું બ્લૂ ટીક મફતમાં પાછું મળ્યું; અમિતાભને પૈસા ચૂકવવા પડ્યા

મુંબઈઃ માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે એકાઉન્ટ્સમાંથી તમામ વર્ષો જૂના વેરિફાઈડ બ્લૂ ટીક્સને દૂર કરી નાખ્યા છે. એણે માત્ર એવા જ એકાઉન્ટ્સમાં બ્લૂ ટીક્સ ચાલુ રાખ્યા છે જેમણે દર મહિને 8 ડોલરનું લવાજમ ચૂકવ્યું હોય. આને કારણે અમિતાભ બચ્ચ, શાહરૂખ ખાન, સલમાન ખાન, આલિયા ભટ્ટ જેવી બોલીવુડ હસ્તીઓ સહિત અનેક નામાંકિત વ્યક્તિઓએ ટ્વિટર પર એમનું વેરિફાઈડ સ્ટેટસ ગુમાવી દીધું હતું.

તેમ છતાં ટ્વિટરે હવે એવા એકાઉન્ટ્સને બ્લૂ ટીક પાછા આપવાનું શરૂ કર્યું છે જેમના ફોલોઅર્સની સંખ્યા 10 લાખથી વધારે હોય. આને કારણે શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, સલમાન ખાન અને ઋતિક રોશન જેવી સેલિબ્રિટી વ્યક્તિઓના એકાઉન્ટ્સમાં એમનાં નામની આગળ બ્લૂ ટીક્સ ફરી દેખાતા થયા છે અને આ માટે એમણે એકેય ડોલરનો ખર્ચ કરવો પડ્યો નથી.

પરંતુ અમિતાભ, જુનિયર એનટીઆર, એસ.એસ. રાજામૌલી જેવા લોકોને બ્લૂ ટીક પ્રાપ્ત કરવા માટે મહિને 8 ડોલરની ચૂકવણી કરવી પડી છે. અભિનેત્રી કંગના રણોતે પણ લવાજમની રકમ ચૂકવી છે. મોબાઈલ યૂઝર્સ માટે ટ્વિટર બ્લૂ ટીક લવાજમ રકમ પ્રતિ માસ 900 રૂપિયા છે જ્યારે ડેસ્કટોપ યૂઝર્સ માટે પ્રતિ માસ રૂ. 650 અથવા રૂ. 6,800 પ્રતિ વર્ષ છે.