દિલીપકુમારની બીમારી ‘બાઈલેટરલ પ્લૂરલ ઈફ્યૂઝન’ શું છે?

મુંબઈઃ સુપ્રસિદ્ધ પીઢ હિન્દી ફિલ્મ અભિનેતા દિલીપકુમાર (98)ની તબિયત બગડતાં એમને અહીંની નોન-કોવિડ પી.ડી. હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમને ‘બાઈલેટરલ પ્લૂરલ ઈફ્યૂઝન’ બીમારીનું નિદાન થયું છે. એમને હાલ આઈસીયૂમાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. કાર્ડિયોલોજિસ્ટ ડો. નીતિન ગોખલે અને પલ્મોમોનોલોજિસ્ટ ડો. જલીલ પારકર એમની સારવાર કરી રહ્યા છે. દિલીપકુમારનું અવસાન થયાની ગઈ કાલે અફવા ઊડી હતી જેને એમના પત્ની સાયરાબાનુએ રદિયો આપ્યો છે અને કહ્યું છે કે દિલીપકુમારની તબિયત સ્થિર છે. ડોક્ટરોનું કહેવું છે કે જો દિલીપકુમારને સારું થઈ જશે તો 2-3 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. દિલીપકુમારને ગયા મહિને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

‘બાઈલેટરલ પ્લૂરલ ઈફ્યૂઝન’ તબીબોમાં કોઈ અસામાન્ય નામ નથી. દર્દીને ફેફસાંમાં ચારેબાજુ વધારેપડતું પાણી ભરાઈ જવાની તકલીફમાં આ શબ્દો વપરાય છે. ફેફસાં અને છાતીની દીવાલ વચ્ચે રહેલા કોષોના આવરણના ભાગમાં વારંવાર પ્રવાહી જમા થાય એને તબીબી ભાષામાં ‘બાઈલેટરલ પ્લૂરલ ઈફ્યૂઝન’ કહે છે. એને કારણે ફેફસાં પર દબાણ આવે છે અને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા મુજબ, દર વર્ષે આશરે એક લાખ જેટલા કેસોમાં આ તકલીફ થતી જોવા મળે છે.