‘દિવાળીમાં ફટાકડાના-વિરોધીઓ’ને કંગનાની-ટકોર, ‘ચાલીને ઓફિસે જજો, કારમાં-નહીં’

મુંબઈઃ દિવાળી તહેવારના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી પર્યાવરણ રક્ષણની હિમાયત કરનારાઓને બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે આજે ટોણો માર્યો છે. કંગનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આધ્યાત્મિક ગુરુ સદ્દગુરુનો એક વિડિયો શેર કર્યો છે જેમાં સદ્દગુરુ ફટાકડા પર પ્રતિબંધ ન મૂકવાનું કહે છે અને સાથોસાથ, એમના બાળપણ વખતના દિવાળી તહેવારની યાદોંને તાજી કરે છે.

સદ્દગુરુએ કેપ્શનમાં લખ્યું છેઃ ‘હવાના પ્રદૂષણની ચિંતામાં બાળકોને ફટાકડા ફોડવાના આનંદથી વંચિત રાખવા એ યોગ્ય ન કહેવાય. એમને બદલે તમે બલિદાન આપો. 3 દિવસ માટે તમારી ઓફિસે ચાલીને જાઓ. બાળકોને ફટાકડા ફોડવાનો આનંદ માણવા દો.’ સદ્દગુરુના વિડિયોનો ઉલ્લેખ કરીને કંગનાએ ફટાકડાના વિરોધીઓને જાણે ચિંટીયો ભરતી હોય એવી સલુકાઈથી લખ્યું છે કે, ‘દિવાળી પર્યાવરણના હિમાયતીઓને આ ઉત્તમ જવાબ છે. હવે તમે ત્રણ દિવસ સુધી તમારી ઓફિસે ચાલતા જજો, કારનો ઉપયોગ કરતા નહીં. આ જ એ માનવી છે જેમને કારણે દુનિયામાં આજે કરોડોની સંખ્યામાં વૃક્ષારોપણ દ્વારા વિક્રમસર્જક હરિયાળી ફેલાવવામાં આવી છે.’

કંગનાને ‘મણિકર્ણિકાઃ ક્વીન ઓફ ઝાંસી’ અને ‘પંગા’ ફિલ્મો માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. એની આગામી ફિલ્મો છેઃ ‘મણિકર્ણિકા રીટર્ન્સઃ ધ લીજેન્ડ ઓફ દિદ્દા’, ‘ધાકડ’, ‘તેજસ’ અને ‘ધ ઈન્કાર્નેશનઃ સીતા’.