નવી દિલ્હીઃ હિન્દી ફિલ્મોનાં વીતેલાં વર્ષોનાં સુપ્રસિદ્ધ અભિનેત્રી આશા પારેખને ભારતીય સિનેમાસૃૃષ્ટિનો સર્વોચ્ચ પુરસ્કાર એવો ‘દાદાસાહેબ ફાળકે પુરસ્કાર’ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
વર્ષ 2020 માટેનો ‘દાદાસાહેબ ફાળકે પુરસ્કાર’ એવોર્ડ આશા પારેખને આપવાની જાહેરાત કેન્દ્રીય માહિતી-પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે આજે કરી છે. 79 વર્ષનાં આશા પારેખને આ એવોર્ડ આવતા શુક્રવારે નવી દિલ્હીમાં નિર્ધારિત 68મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે.
આ વખતનો ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ આશા પારેખને આપવાની કેન્દ્ર સરકારને ભલામણ પાંચ-સભ્યોની સમિતિએ કરી હતી. સભ્યો છેઃ આશા ભોસલે, હેમા માલિની, પૂનમ ધિલોન, ઉદિત નારાયણ અને ટી.એસ. નાગભર્ણા.
‘પદ્મશ્રી’ સમ્માનિત આશા પારેખે અસંખ્ય હિન્દી ફિલ્મોમાં અભિનયનાં ઓજસ પાથર્યાં છે. એમની યાદગાર ફિલ્મોમાં ‘દિલ દેકે દેખો’, ‘કટી પતંગ’, ‘તીસરી મંઝિલ’, ‘બહારોં કે સપને’, ‘પ્યાર કા મૌસમ’, ‘કારવાં’નો સમાવેશ થાય છે. એમણે 10 વર્ષની ઉંમરે જ અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો અને 1952માં ‘આસમાન’ ફિલ્મમાં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું. અભિનેત્રી તરીકે એમની પહેલી ફિલ્મ હતી ‘દિલ દેકે દેખો’, જે 1959માં રિલીઝ કરાઈ હતી અને એમાં તેમનો હિરો હતા શમ્મી કપૂર.