પ્રભાસ-કૃતિનાં સંબંધને વરૂણનું સમર્થન?

મુંબઈઃ વરૂણ ધવન અને કૃતિ સેનને હાલમાં જ રિલીઝ થયેલી ‘ભેડિયા’ ફિલ્મમાં કરેલાં અભિનયને દર્શકોએ વખાણ્યો છે. આ કૃતિ તેની આગામી નવી ફિલ્મ ‘આદિપુરુષ’માં તેનાં હિરો પ્રભાસ સાથે વાસ્તવિક જીવનમાં રોમાન્સ કરી રહી છે એવી અફવાઓ ફેલાઈ છે. હાલમાં જ ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ના સેટ પર ‘ભેડિયા’ ફિલ્મના પ્રચાર માટે વરૂણ અને કૃતિ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. નિર્માતા કરણ જોહરે જ્યારે મજાકમાં વરૂણને કહ્યું કે બોલીવુડની કેટલીક એલિજિબલ સિંગલ મહિલાઓનાં નામોની એક યાદી બનાવ. વરૂણે યાદી બનાવી આપ્યા બાદ જોહરે એને પૂછ્યું કે, ‘તારા લિસ્ટમાં કૃતિનું નામ કેમ નથી?’ ત્યારે વરૂણે કહ્યું, ‘કૃતિનું નામ એટલા માટે નથી કે કૃતિનું નામ કોઈકનાં દિલમાં છે. એક માણસ છે જે મુંબઈમાં નથી, એ અત્યારે દીપિકાની સાથે શૂટિંગ કરી રહ્યો છે.’ વરૂણે પ્રભાસનું નામ લીધું નહોતું, પણ દેખીતી રીતે જ એનું આ રમૂજમિશ્રિત નિવેદન સાંભળીને કૃતિ પણ હસી પડી હતી. વરૂણને આવું બોલતો બતાવતો વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે.

પ્રભાસ અને દીપિકા હાલ એક શિર્ષકવિહોણી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. પ્રભાસ અને કૃતિનાં ડેટિંગની અફવા કેટલાક દિવસોથી ફરી રહી છે. જોકે બંને કલાકારે એ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. ઓમ રાઉત દિગ્દર્શિત ‘આદિપુરુષ’ ફિલ્મ 2023ની 16 જૂને રિલીઝ થવાની છે. પ્રભાસ એમાં ભગવાન રામ બન્યો છે, કૃતિ સીતાજીની ભૂમિકા ભજવી રહી છે જ્યારે સૈફ અલી ખાન બન્યો છે લંકેશ રાવણ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]