‘હું ક્યારેય મુસ્લિમ-છોકરાને નહીં પરણું’: ઉર્ફી જાવેદ

મુંબઈઃ વિવાદાસ્પદ પરંતુ પ્રખ્યાત થઈ ગયેલી અભિનેત્રી ઉર્ફી જાવેદે કહ્યું છે કે એ ઈસ્લામ ધર્મમાં માનતી નથી અને ક્યારેય કોઈ મુસ્લિમ છોકરા સાથે લગ્ન નહીં કરે. એક મુલાકાતમાં ઉર્ફીએ કહ્યું કે, ‘હું ઈસ્લામ કે બીજા કોઈ ધર્મમાં માનતી નથી. તેથી હું કોના પ્રેમમાં પડીશ એની મને કંઈ પરવા નથી. આપણને ઈચ્છા થાય એની સાથે જ લગ્ન કરવા જોઈએ. હું મુસ્લિમ છોકરી છું. મને મળેલી દ્વેષયુક્ત કમેન્ટ્સમાંથી મોટા ભાગની મુસ્લિમ લોકો તરફથી મળી છે. એ લોકો કહે છે કે હું ઈસ્લામને બદનામ કરું છું. એ લોકો મને ધિક્કારે છે કે કારણ કે મુસ્લિમ પુરુષો ઈચ્છે છે કે એમની સ્ત્રીઓએ અમુક રીતે જ વર્તવું જોઈએ. એ લોકો સમાજમાં બધી સ્ત્રીઓ પર નિયંત્રણ રાખવા માગે છે. આને કારણે જ હું ઈસ્લામમાં માનતી નથી.’ 24 વર્ષીય ઉર્ફીએ 2016માં ટીવી શૉ ‘બડે ભૈયા કી દુલ્હનિયા’, ‘મેરી દુર્ગા’, ‘બેપનાહ’, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘કસૌટી જિંદગી કે’ અને ‘પંચ બીટ સીઝન-2’માં અભિનય કર્યો હતો.

ઈન્ડિયા ટુડે.ઈનને આપેલી મુલાકાતમાં ઉર્ફીએ કહ્યું કે, ‘મારાં પિતા ઘણા રૂઢિચુસ્ત માણસ હતા. હું જ્યારે 17 વર્ષની હતી ત્યારે એ મને અને મારાં ભાઈ-બહેનોને મારી માતા પાસે છોડીને જતા રહ્યા હતા. મારી માતા ઘણી જ ધાર્મિક સ્ત્રી છે, પરંતુ એમણે ક્યારેય એમનો ધર્મ પાળવાનું અમારી પર દબાણ કર્યું નથી. મારાં ભાઈ-બહેન ઈસ્લામ ધર્મમાં માને છે, પણ હું માનતી નથી. પરંતુ એમણે ક્યારેય તેને મારી પર લાદ્યો નથી. તમે ક્યારેય કોઈની પત્ની અને બાળકો પર તમારો ધર્મ લાદી ન શકો. એ તો હૃદયમાંથી આવે, નહીં તો ન તો તમે ખુશ રહી શકો, ન તો અલ્લાહ. હું હાલમાં ભગવદ ગીતા વાંચું છું. હું એ ધર્મ (હિન્દુ) વિશે વધારે જાણવા માગું છું. હું એના તાર્કિક ભાગમાં વધારે દિલચસ્પી ધરાવું છું. મને અતિવાદ પ્રત્યે નફરત છે. તેથી મારે એ પવિત્ર ગ્રંથમાંથી સારું મેળવવું છે.’