નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે લાંબા સમયથી ચાલી રહેલા લોકડાઉનને કારણે મોટાભાગના લોકોને રોજગારની ચિંતા થવા લાગી છે. લોકો બે મહિનાથી ઘરમાં કેદ થયા છે અને કામ-ધંધા વગર થાકી ગયા છે. દરેકને ઇચ્છા થાય છે કે બધું જ ફરી પહેલાં જેવું થઈ જાય. આવી જ હાલત બોલિવૂડના કલાકારોની છે જેમનું અભિનયનું કામકાજ લોકડાઉનના કારણે અટકી ગયું છે. એક્ટર અને કાર્યક્રમોમાં સંચાલક તરીકેની ભૂમિકા ભજવતો મનીષ પૌલ હવે કામ પર ફરવા ઉતાવળો થઈ રહ્યો છે.
મનીષે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે અને કામ પણ માંગ્યુ છે. મનીષે પોસ્ટમાં લખ્યું છે કે, હું એક એક્ટર છું, હું શોને હોસ્ટ પણ કરુ છું. હું લોકડાઉન પછી કામ પર પાછો ફરવા માંગુ છું. હવેથી સેટ પર સમયસર આવીશ. હું 12 કલાક કામ કરીશ, ઘરેથી જમવાનું લઈ જઈશ, મારો સ્ટાફ પણ ઘરેથી જમવાનું લાવશે. જો તમને કોઈ ફિલ્મ, વેબ સિરીઝ અથવા રિયાલિટી શો માટે હોસ્ટની જરૂર હોય તો મારો સંપર્ક કરો. હું મુંડનના કાર્યક્રમોમાં પણ હોસ્ટ બનવા તૈયાર છું.
જો કે આ વાત ખરેખર તો મનીષે રમૂજી શૈલીમાં કરી છે જે હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ છે. પોતાની આગવી શૈલીમાં દરેકને હસાવતો આ કલાકાર મજાકમાં ગંભીર વાત કરે છે કે આ લોકડાઉનને કારણે જ પોતાને તેના કામનું મહત્વ જાણવા મળ્યું છે અને તે તમામ નિયમોને અનુસરવા તૈયાર છે. લોકડાઉનના કારણે ઘરમાં કેદ આ કલાકાર હવે કંટાળ્યો છે અને કામ પર પરત ફરવા અધીરો થયો છે.