અક્ષય કુમાર ફરી મજૂરોની મદદે; આપ્યું રૂ. 45 લાખનું દાન

મુંબઈ. કોરોનાવાઈરસને કારણે ભારતમાં હાલમાં ચોથા તબક્કાનું લૉકડાઉન ચાલી રહ્યું છે. છેલ્લાં બે મહિનાથી ટીવી તથા બોલિવૂડમાં શૂટિંગ બંધ છે. આથી જ ઈન્ડસ્ટ્રીના ટેકનિશિયન્સ તથા રોજમદારની આર્થિક હાલત કફોડી બની છે. અક્ષય કુમારે આ મુશ્કેલ પરિસ્થિતિમાં સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન (CINTAA, સિન્ટા)ને 45 લાખ રૂપિયાનું દાન કર્યું છે.સિન્ટાના સીનિયર જોઈન્ટ સેક્રેટરી અમિત બહલે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કમિટીના મેમ્બર તથા એક્ટર અયુબ ખાને જાવેદ જાફરી તથા સાજીદ નડિયાદવાલા સાથે વાત કરી હતી. સાજીદ નડિયાદવાલાએ અક્ષય કુમાર સાથે વાત કરી હતી. અક્ષય કુમારે તરત જ સિન્ટા પાસેથી મેમ્બર્સની યાદ માગી હતી. સિન્ટાએ અક્ષય કુમારને યાદી આપી હતી. સિન્ટા સાથે જોડાયેલા 1500 મેમ્બર્સના અકાઉન્ટમાં અક્ષય કુમારે ત્રણ હજાર રૂપિયા જમા કરાવ્યા હતાં. આમ અક્ષય કુમારે 45 લાખ રૂપિયાની મદદ કરી હતી. સાજીદ તથા અક્ષય કુમારે કહ્યું હતું કે જો જરૂર પડશે તો તેઓ વધુ મદદ કરવા તૈયાર છે.

અક્ષય કુમારે સૌ પહેલાં પીએમ કૅઅર ફંડમાં 25 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. ત્યારબાદ મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં પૈસા આપ્યા હતાં. મુંબઈ પોલીસને 2 કરોડ તથા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને 3 કરોડની આર્થિક મદદ કરી હતી. આ ઉપરાંત કોર્પોરેશનને પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપ્મેન્ટ (પીપીઈ), માસ્ક તથા રેપિડ ટેસ્ટિંગ કિટ્સ દાનમાં આપી હતી.

આટલું જ નહીં અક્ષય કુમારે 1000 સ્માર્ટવોચ મુંબઈ પોલીસને તથા 500 રિસ્ટબેન્ડ્સ નાસિક પોલીસને આપ્યાં હતાં. અક્ષય કુમાર સતત ચાહકોને ઘરમાં રહેવાની સલાહ આપી રહ્યો છે.