બોલીવુડની આ અભિનેત્રીઓને ‘કરવા ચોથ’ વ્રત અંધશ્રદ્ધા લાગે છે…

મુંબઈઃ ભારતના ઉત્તર અને પશ્ચિમી ભાગોમાં ઘણી હિન્દૂધર્મી પરિણીત સ્ત્રીઓ એમનો સુહાગ (સૌભાગ્ય અથવા પતિની હયાતિ, સ્વાસ્થ્ય) સલામત રહે એ માટે દર વર્ષે આસો મહિનાના કૃષ્ણ (વદ) પક્ષની ચતુર્થી (ચોથ)ની તિથિના રોજ એક વ્રત કરે છે અને પૂજા કરે છે, જેને ‘કરવા ચોથ’ કહે છે. કરવા ચોથ વ્રતને તેઓ સુહાગના પ્રતીક તરીકે ગણે છે. આ તહેવાર પતિ-પત્ની વચ્ચેના પવિત્ર સંબંધ, પ્રેમ અને સમર્પણ તરીકે ગણવામાં આવે છે. આજે કરવા ચોથનો દિવસ છે અને દેશભરમાં ઘણી પરિણીતાઓ એમનાં સૌભાગ્યનો દિવસ આનંદથી ઉજવી રહી છે. આ દિવસે પરિણીત સ્ત્રીઓ મનોભાવથી સજેધજે છે સાથે મળીને કરવા ચોથ નિમિત્તે ભગવાન ગણપતિ, ચોથ માતા, કરવા માતાની પૂજા કરે છે. મહિલાઓ નિર્જળા ઉપવાસ કરે છે અને ત્યારબાદ સાંજે આકાશમાં ચંદ્ર દેખાય તે પછી એને ચાળણી દ્વારા જોઈ ચંદ્રમાને અર્ધ્ય દઈને પતિનાં ચહેરાને પણ ચાળણીથી જુએ છે. એમ કરવાથી પતિનું આયુષ્ય વધી જાય છે એવી માન્યતા છે. પરંતુ, બોલીવુડમાં અમુક અભિનેત્રીઓ એવી છે જેઓ આ વ્રતને અંધશ્રદ્ધા તરીકે ઓળખાવે છે. જાણો એમનાં વિશે…

(પ્રતીકાત્મક તસવીર)

સોનમ કપૂરઃ અભિનેતા અનિલ કપૂરની પુત્રી સોનમે 2018માં દિલ્હીસ્થિત ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં. પરંતુ એ ક્યારેય કરવા ચોથનું વ્રત કરતી નથી. આ દિવસે તે નવવધૂની જેમ શણગાર જરૂર સજે છે, પરંતુ એનાં પતિ આનંદને સોનમ ઉપવાસ કરે એ ગમતું નથી.

કરીના કપૂર-ખાનઃ હિન્દી ફિલ્મોના વીતી ગયેલા વર્ષોનાં દંપતી રણધીર કપૂર અને બબીતા કપૂરની નાની પુત્રી કરીના બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનની પત્ની છે. કરીના પંજાબી કુટુંબમાંથી આવે છે. સૈફ સાથે એનાં લગ્નને 11 વર્ષ થઈ ગયા છે. કરીના એવું માને છે કે, પતિ માટે પ્રેમ સિદ્ધ કરવા માટે મારે કરવા ચોથ વ્રત કરવાની જરૂર નથી.

ટ્વિન્કલ ખન્ના-ભાટિયાઃ સ્વ. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા-ખન્નાની મોટી પુત્રી ટ્વિન્કલ ખન્ના અભિનેતા અક્ષય કુમાર (રાજીવ ભાટિયા)ને પરણી છે. તે પણ કરવા ચોથનું વ્રત કરતી નથી. પત્ની ઉપવાસ કરે એનાથી પતિનું આયુષ્ય વધે એવું તે માનતી નથી, એવું તેણે પોતે કહ્યું છે.

હેમા માલિનીઃ પીઢ અભિનેત્રી હેમા માલિની પણ કરવા ચોથનું વ્રત કરતાં નથી. અભિનેતાને ધર્મેન્દ્ર સાથે લગ્ન કરનાર હેમાનું માનવું છે કે પતિ માટે મનમાં પ્રેમ હોય તો વ્રત પાળવાની જરૂર નથી.