58મા જન્મદિવસે શાહરૂખે રિલીઝ કર્યું નવી ફિલ્મ ‘ડંકી’નું ટીઝર

મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજે જ તેણે એના પ્રશંસકોની આતુરતાનો અંત લાવીને પોતાની આગામી નવી ફિલ્મ ‘ડંકી’નું ટીઝર રિલીઝ કર્યું છે. ‘ડ્રોપ 1’ શિર્ષક સાથેનો આ ટીઝર-વીડિયો જોઈને એવું લાગે છે કે ‘ડંકી’ ફિલ્મ એક્શન, સામાજિક-રાજકીય કોમેડી, પ્રેમ અને અસ્પષ્ટતા-અંધકારનું મિશ્રણ હશે. તે હાલમાં જ રિલીઝ થયેલી શાહરૂખ અભિનીત ‘જવાન’ ફિલ્મ કરતાં સાવ જુદા જ પ્રકારની ફિલ્મ છે. ટીઝરમાં જણાવી દેવામાં આવ્યું છે કે ફિલ્મનું બીજું ટીઝર ટૂંક સમયમાં રિલીઝ કરાશે.

ટીઝરના આરંભમાં એક રણ જોવા મળે છે જેમાં શાહરૂખ અને તેની ટૂકડીની ઝલક જોવા મળે છે. તેની ટૂકડીમાં તાપસી પન્નૂ, વિકી કૌશલનો સમાવેશ થાય છે. એમની પર ખૂબ દૂરના સ્થળેથી કોઈક શૂટર નિશાન તાંકે છે. બેકગ્રાઉન્ડમાં સોનૂ નિગમના સ્વરમાં ગીત સંભળાય છે ‘બડી દૂર સે આયે હૈં’. ફિલ્મમાં શાહરૂખ હાર્ડીના પાત્રમાં છે જ્યારે તાપસી બની છે મનૂ, વિક્રમ કોચર બન્યો છે બગ્ગૂ, વિકી કૌશલ છે સુખી, અનિલ ગ્રોવર ચે બલ્લી અને બોમન ઈરાની છે ગુલાટી.

વાસ્તવિક જીવનના અનુભવોમાંથી બનાવવામાં આવેલી ‘ડંકી’ ફિલ્મ પ્રેમ અને મિત્રતાના મિશ્રણ સમી છે. તે આ વર્ષની 22 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે.