સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાંથી ‘ધ કેરળ સ્ટોરી’ પરથી પ્રતિબંધ હટાવ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો છે. તામિલનાડુને પણ નિર્દેશ આપ્યો છે કે થિયેટરોમાં ફિલ્મ જોવાવાળાઓને સરકાર પર્યાપ્ત સુરક્ષા આપે. CJIએ ટિપ્પણી કરી હતી કે ફિલ્મને સેન્સર બોર્ડથી મળેલા સર્ટિફિકેટ મામલે હવે ઉનાળુ રજાઓ પછી સુનાવણી કરવામાં આવશે. હવે આ ફિલ્મને લઈને સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 18 જુલાઈએ થશે.

18 મેએ આ ફિલ્મને લઈને કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની સામે પશ્ચિમ બંગાળ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવી અને ફિલ્મના પ્રોડ્યુસરના વકીલ હરીશ સાલ્વેએ દલીલો કરી હતી.

કોર્ટમાં આ સુનાવણીમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂડવાની માગવાળી અરજીના વકીલે કહ્યું હતું કે ફિલ્મને અસલી જેમ રજૂ કરવામાં આવી છે અને ડિસ્ક્લેમરમાં કંઈક બીજું છે. એવું ના કરી શકાય. એના પર CJIએ ફિલ્મના પ્રોડ્યુસરના વકીલ હરીશ સાલ્વેને પૂછ્યું હતું કે એ 32,000નો આંકડો તોડીમરોડીને રજી કરવામાં આવ્યો છે, એના વિશે જણાવો. એના જવાબમાં સાલ્વેએ કહ્યું હતું કે આ કોઈ પ્રામાણિક આંકડો ઉપલબ્ધ નથી, પણ ઘટનાઓ થઈ છે.

આ વિવાદનો વિષય નથી. એ પછી CJIએ કહ્યું હતું કે આ ફિલ્મ કહે છે કે 32,000 મહિલાઓ ગાયબ છે. –એક ડાયલોગ છે એમાં. સાલ્વેએ કહ્યું હતું કે અમે ડિસ્ક્લેમર બતાવવા તૈયાર છીએ કે કોઈ પ્રામાણીક ડેટા એના પર ઉપલબ્ધ નથી. CJIએ કહ્યું હતું કે કાનૂન વ્યવસ્થા જાળવી રાખવી એ રાજ્યની જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાને કાયમ રાખવી એ પણ રાજ્યની જવાબદારી છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે જ્યારે દેશમાં ફિલ્મ ચાલી શકે છે તો પશ્ચિમ બંગાળમાં શી સમસ્યા છે?