મુંબઈઃ કોરોના વાઇરસને લઈને દેશભરમાં લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. લોકો ઘરોમાં નજરકેદ થવા મજબૂર બન્યા છે. આવામાં લોકો ઘરોમાં સમય પસાર કરવા પોતપોતાની રીતે મનોરંજન કરી લે છે. લોકડાઉનમાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ ટીવી સિરિયલોને ફરી પ્રસારિત કરવાની માગ ઊઠી હતી અને એ બંને રી-ટેલિકાસ્ટ પણ કરાઈ. રામાયણને લઈને લોકોની લાગણી એવી રહી હતી કે રી-ટેલિકાસ્ટ કરવામાં આવેલી એ સિરિયલે TRPના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. રામાયણ વિશ્વભરમાં સૌથી વધારે જોવાયેલી ટીવી સિરિયલ બની ગઈ. હવે નવા ખુશખબર હનુમાન ચાલીસાને લગતા છે. T-સિરીઝ નિર્મિત ‘હનુમાન ચાલીસા’એ સૌથી વધુ વાર જોવાયેલા ધાર્મિક ભજનનો રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે. આ વાતની માહિતી ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે ટ્વીટ કરીને આપી છે. તેમણે લખ્યું હતું કે આજે T-સિરીઝ પરિવાર માટે બહુ ખુશીની પળ છે, કેમ કે આજે T-સિરીઝના ભક્તિ વિડિયો ‘હનુમાન ચાલીસા’એ એક અબજ વ્યૂઝ હાંસલ કરી લીધા છે. ‘હનુમાન ચાલીસા’ સૌથી જોવાતું ભજન બન્યું. તેમણે તેમના સદ્દગત પિતા ગુલશન કુમારને યાદ કરતાં લખ્યું હતું કે પાપા, તમારા આશીર્વાદ હંમેશાંની અમારી સાથે છે અને અમે આગળ પણ આ રીતે લક્ષ્ય હાંસલ કરતા રહીશું.
આ ભજન હરિહરને ગાયું છે. હનુમાન ચાલીસાને આજે નવ વર્ષ, પહેલાં 2011માં યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યું હતું.
T-સિરીઝ ભક્તિસંગીતમાં સૌથી આગળ
T-સિરીઝ પ્રારંભના સમયમાં ભક્તિ સંગીતના બજારમાં સૌથી આગળ હતી. T-સિરીઝ ભારતીય દેવી-દેવતાઓનાં રેકોર્ડેડ ભજન અને આરતી માટે મશહૂર છે. જેને લોકોએ બહુ પસંદ કર્યું છે. T-સિરીઝના સંસ્થાપક ગુલશન કુમાર 80અને 90ના દાયકાઓમાં ભક્તિ ગીતોના વિડિયોમાં બહુ સામેલ થતા હતા. તેમના પુત્ર ભૂષણકુમાર સંગીતની આ શૈલી પર પર્યાપ્ત ધ્યાન કેન્દ્રિત કરીને પોતાની વિરાસતને જીવિત રાખી છે.
