‘કહીં દૂર જબ દિન ઢલ જાયે’: ગીતકાર યોગેશનું નિધન

લખનઉઃ હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર યોગેશનું નિધન થયું છે. યોગેશ ગૌર 77 વર્ષના હતા. એમણે ‘આનંદ’, ‘મિલી’, ‘છોટી સી બાત’, ‘મંઝિલ’, ‘બાતોં બાતોં મેં’, ‘રજનીગંધા’ ફિલ્મોમાં ગીતો લખ્યા હતા. છેલ્લે એમણે ‘બેવફા સનમ’ ફિલ્મના ગીતો લખ્યા હતા, જે ફિલ્મ 1995માં રિલીઝ થઈ હતી.

એમણે લખેલા અનેક ગીતો સુપરહિટ થયા છે અને આજે પણ લોકજીભે છે. એમના લિખિત ગીતો છેઃ

‘કહીં દૂર જબ દિન ઢલ જાયે’ અને ‘ઝિંદગી કૈસી હૈ પહેલી હાયે’ (આનંદ),

‘રીમઝીમ ગીરે સાવન’ (મંઝિલ),

‘બડી સૂની સૂની હૈ’ અને ‘મૈંને કહા ફૂલોં સે’ (મિલી).

‘કહાં તક યે મન કો’ અને ‘ન બોલે તુમ ન મૈંને કુછ કહા’ (બાતોં બાતોં મેં)

‘કઈ બાર યૂં ભી દેખા હૈ’, ‘રજનીગંધા ફૂલ તુમ્હારે મહકે યૂં હી જીવન મેં’ અને ‘ન જાને ક્યૂં હોતા હૈ યે જિંદગી કે સાથ’ (રજનીગંધા)

યોગેશના નિધનના સમાચાર મહાન ગાયિકા લતા મંગેશકરે ટ્વિટર મારફત આપ્યાં હતા. એમણે ટ્વીટમાં લખ્યું છે કે ‘મને હમણાં જ જાણવા મળ્યું કે હૃદયને સ્પર્શી જાય એવા ગીતો લખનાર કવિ યોગેશજીનું આજે નિધન થયું છે. એ જાણીને મને બહુ દુઃખ થયું છે. યોગેશજીએ લખેલા અનેક ગીતો મેં ગાયા હતા. યોગેશજી બહુ જ શાંત અને મધુર સ્વભાવના માનવી હતા. હું એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.’

યોગેશ ગૌર ઉત્તર પ્રદેશના લખનઉમાં જન્મયા હતા. વખત જતાં કામની તલાશમાં મુંબઈ આવ્યા હતા. એમના પિતરાઈ ભાઈ પટકથા લેખક હતા. યોગેશને ગીતો લખવાનું કામ સૌથી પહેલા આપનાર હતા નિર્માતા-દિગ્દર્શક ઋષિકેશ મુખરજી અને યોગેશે ઘણા ગીતો લખ્યા, જે લોકપ્રિય થયા છે. યોગેશે લેખક તરીકે ટેલિવિઝન સિરિયલો માટે પણ કામ કર્યું હતું.