નવી દિલ્હીઃ યૂટ્યૂબર તરીકે અને ‘ફ્લાઈંગ બીટ્સ’ના હુલામણા નામે જાણીતા થયેલા ગૌરવ તનેજાએ દિલ્હીમાં ટિકિટ ખરીદવા અસમર્થ લોકોને મફતમાં ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ બતાવી. એ માટે તેમણે આખું થિયેટર બુક કરાવ્યું હતું. આ સમાચાર જાણ્યા બાદ ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મિડિયા મારફત તનેજાનો આભાર માન્યો છે. તનેજાએ ગઈ 17 માર્ચે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં આઈનોક્સ થિયેટરમાં બપોરે 1 વાગ્યે મફત શો યોજ્યો હતો.
1990માં કશ્મીર ખીણપ્રદેશમાં પાકિસ્તાનના સમર્થનવાળા ઈસ્લામી કટ્ટરવાદીઓએ કરેલા અત્યાચારને કારણે કશ્મીર પંડિત હિન્દુ સમાજનાં લોકોને કરવી પડેલી હિજરતના વિષય પર વિવેક અગ્નિહોત્રીએ બનાવેલી અને ગઈ 11 માર્ચે રિલીઝ થયેલી ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મે દેશભરમાં સપાટો બોલાવી દીધો છે. આ ફિલ્મને કારણે લોકોમાં લાગણીનું પૂર ઉમટ્યું છે અને ફિલ્મ જોવા માટે થિયેટરોમાં લોકોની પડાપડી થઈ રહી છે.